ઘરના સાદા રોટલા અને યોગના ઓટલાથી તંદુરસ્તીનો નવો મંત્ર આપતા તાપીના હસમુખા વડીલ

વ્યારામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ૭૧ વર્ષના તુષાર દાદા બન્યા આકર્ષણનું કેન્દ્ર
—
૭૧ વર્ષની ઉંમરે પ્રથમ વાર યોગા કરીને દાદાએ સાબિત કર્યુ કે, નવી શરૂઆત માટે કોઈ ઉંમર નથી નડતી
—
યુવાધનને જંકફૂડ છોડી ઘરનો સાદો ખોરાક અને યોગ અપનાવવા તુષારભાઈ શાહની યુવાધનને અનુરોધ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૧ :- જ્યારે જીવવાની જિજ્ઞાસા અને કંઈક નવું શીખવાની ધગશ હોય, ત્યારે ઉંમર માત્ર એક આંકડો બની જાય છે. વ્યારા ખાતે આયોજિત તાપી જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આ વાત સાબિત થઈ. જ્યાં વિશાળ જનમેદની વચ્ચે, પોતાના સ્મિત અને અદ્ભુત ઉત્સાહથી ૭૧ વર્ષના વડીલ તુષારભાઈ શાહ સૌના આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યા હતા.
ચહેરા પર નિર્દોષ સ્મિત અને આંખોમાં અદ્ભુત ચમક ધરાવતા તુષાર દાદા ૭૧ વર્ષની ઉંમરે પહેલીવાર યોગના આ ભવ્ય કાર્યક્રમમાં જોડાઈને યોગાભ્યાસ કર્યો હતો. વહેલી સવારે ખૂબ જ ઉત્સાહ સાથે આવીને તેમણે સૌની સાથે મળીને વિવિધ આસનો કર્યા હતા. યોગાભ્યાસ પૂરો થયા પછી તેમના ચહેરા પર એક અનોખો આત્મસંતોષ અને લાગણીશીલ ભાવ જોવા મળી રહ્યો હતો.
પ્રથમવાર કરેલા યોગના અનુભવ વિષે વાત કરતા તુષાર દાદાએ જણાવ્યું કે, મેં આજે જીવનમાં પહેલીવાર યોગ કર્યો છે. આજે જ્યારે જાતે આસનો કર્યા, ત્યારે મને અંદરથી ખૂબ જ ઊર્જાન્વિત અનુભવ થયો છે. યોગ કરવાથી મારા શરીર અને મનને અદ્ભુત શાંતિ મળી છે.
વધુમાં દાદાએ યુવાપેઢીને સંદેશ આપતા જણાવ્યું કે, તંદુરસ્ત રહેવા માટે હંમેશા ઘરનો સાદો અને પૌષ્ટિક ખોરાક જ લેવો જોઈએ. તેમણે યુવાનોને જંકફૂડ છોડીને ઘરનો રાંધેલો ખોરાક ખાવા તથા નિયમિત યોગ સાથે જોડાવા અપીલ કરી હતી.
વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાંથી વિદાય લઈ રહેલા દાદા વગર બોલ્યે પણ સમાજને એક મૂક સંદેશ આપી ગયા કે નવી શરૂઆત કરવાની કોઈ ઉંમર નથી હોતી, બસ એક દ્રઢ સંકલ્પની જરૂર હોય છે.
આલેખન – રોશન સાવંત
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
