ઘરેથી કાઢી મુકાયેલી મહિલાને 181 અભયમ ટીમે અપાવ્યો મદદ અને સહારો
181

181 ટીમના કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શનથી પતિ-પત્ની વચ્ચે કરાવ્યું સફળ સમાધાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના અંતરિયાળ ગામમાંથી એક પીડિત પરિણીત મહિલાએ 181 મહિલા હેલ્પલાઈન પર સંપર્ક કરી મદદની માંગ કરી હતી. મહિલાએ જણાવેલ કે, તેમના પતિ દ્વારા શંકા-વહેમના કારણે અવારનવાર ઝઘડો કરવામાં આવે છે તેમજ મારઝૂડ કરી તેમને દોઢ વર્ષના બાળક સાથે ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા છે.
માહિતી મળતા જ 181 અભયમ ટીમ તાપી તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની હકીકત જાણી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને પિયરમાંથી પૂરતો સહકાર ઉપલબ્ધ નથી.
મહિલાના પતિ રોજગારી અર્થે બહાર જતા હોવાનું અને બે-ત્રણ દિવસે ઘરે પરત આવતા હોવાનું જાણવા મળ્યું હતું. ઘરે આવ્યા બાદ શંકા-વહેમના કારણે વિવાદ થતો હોવાનું તથા નશાની હાલતમાં મારઝૂડ કરાતી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
181 અભયમ ટીમ દ્વારા પતિ-પત્ની બંનેનું સ્થળ પર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પતિને શંકા-વહેમના કારણે થતા વિવાદોથી દૂર રહેવા, નશાનું સેવન ટાળવા તથા પરિવાર પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તન કરવા સમજાવવામાં આવ્યા હતા. તેમજ મહિલાને કાયદાકીય અધિકારો અને જરૂરી સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટીમની સમજાવટ અને અસરકારક કાઉન્સેલિંગ બાદ પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. મહિલાને તેમના સસરા, દાદી અને બાળક સાથે પરિવારને સોંપવામાં આવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સમજ આપવામાં આવી હતી.
181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા સમયસર હસ્તક્ષેપ કરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શનના માધ્યમથી પરિવારને ફરી એકત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
