કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી ર.ફ. દાબુ. કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલ ખાતે શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું પરંપરાગત અને હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા સ્ટાફ દ્વારા બાળકોને તિલક કરી, અક્ષત અને પુષ્પ અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા. શાળામાં પ્રથમ વખત આવતા બાળકો અને તેમના વાલીઓમાં રહેલી ઉત્સુકતા અને આનંદ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. રંગબેરંગી સજાવટ, હર્ષભર્યું વાતાવરણ અને પ્રેમાળ સ્વાગતથી બાળકોમાં શાળાપ્રત્યે આત્મીયતા અને આનંદની લાગણી જન્મી હતી.
આ પ્રસંગે વાલી મિત્રોને પણ આવકારવામાં આવ્યા હતા અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ, શિક્ષણ પદ્ધતિ તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવતી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. શિક્ષકો દ્વારા બાળકો સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરી તેઓને શાળાના નવા માહોલ સાથે સરળતાથી અનુકૂળ થવામાં મદદ કરવામાં આવી હતી.
શાળા પરિવાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવાયું હતું કે આ વર્ષ બાળકો માટે જ્ઞાન, સંસ્કાર, સર્જનાત્મકતા અને આનંદથી ભરપૂર રહે. બાળકોના જીવનમાં પ્રગતિ, સુખ, સ્વાસ્થ્ય અને સફળતાના નવા દ્વાર ખુલશે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી કે આવનારું નવું શૈક્ષણિક વર્ષ તમામ બાળકો માટે શુભમય, આનંદમય અને મંગલમય સાબિત થાય તથા તેઓ શિક્ષણના ક્ષેત્રે સતત પ્રગતિના નવા સોપાનો સર કરે.
શાળાના પ્રથમ દિવસે યોજાયેલા આ સ્વાગત સમારોહે બાળકો, વાલીઓ અને શિક્ષકો વચ્ચે સ્નેહ, વિશ્વાસ અને સહકારના સુંદર સંબંધોની મજબૂત શરૂઆત કરાવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
