તાપીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જિલ્લા આયોજન સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડાયેટની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમોની સમીક્ષા કરાઈ
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 09 : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની જિલ્લા આયોજન સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના પરિણામોમાં ગુણાત્મક બદલાવ લાવવાનો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શિક્ષણ ક્ષેત્રે નવતર અભિગમો અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) દ્વારા આયોજિત વિવિધ તાલીમ કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અસરકારક અને પરિણામલક્ષી બને તે માટે રચનાત્મક માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
કલેક્ટરશ્રીએ શિક્ષકોના વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ માટે આગામી સમયમાં વિશેષ તાલીમ અને ક્ષમતાવર્ધન કાર્યક્રમો યોજવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી, જેથી શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો લાવી શકાય.
બેઠક દરમિયાન ડાયેટ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, તાલીમ કાર્યક્રમો તેમજ આગામી વર્ષ માટેના આયોજન અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને શિક્ષણ ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી માટે જરૂરી સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) તાપીના પ્રાચાર્ય શ્રી જે.ડી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
