તાપી જિલ્લામાં રક્તપિત મુક્તિ માટે મહાઝુંબેશ

૯૨૧ સભ્યોની ‘આરોગ્ય સેના’ ઘરે-ઘરે પહોંચી આદરશે જંગ
—
અભિશાપ નહીં, માત્ર બીમારી છે : રક્તપિત્ત સામે આરોગ્ય તંત્રએ કમર કસી
—
૩૦ જૂન સુધી લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન હેઠળ ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૮ : એને અડશો નહીં, એને તો રક્તપિત્ત છે… આ તો પૂર્વજન્મના પાપનું ફળ છે… વિજ્ઞાન યુગમાં જીવતા હોવા છતાં, આજે પણ આપણા સમાજના કેટલાક અંધારા ખૂણાઓમાં રક્તપિત્ત (લેપ્રસી) જેવા એક તબીબી રોગને સામાજિક અભિશાપ માનવાની ભૂલ થાય છે. પરંતુ હવે સમય બદલાયો છે. સારવાર ઉપલબ્ધ છે અને સરકાર પણ આ રોગને જડમૂળથી ઉખાડી ફેંકવા કટિબદ્ધ બની છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ૧૨ જિલ્લાઓમાં એક અનોખી મહાઝુંબેશ આદરી છે. આ યાદીમાં દક્ષિણ ગુજરાતના પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તા. ૦૮/૦૬/૨૦૨૬ થી તા. ૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન (જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય) તાપીમાં લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન અંતર્ગત એક અભૂતપૂર્વ ‘ડોર-ટુ-ડોર’ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
તાપી જિલ્લાના અંતરિયાળ અને ભૌગોલિક રીતે પડકારરૂપ વિસ્તારોમાં વણશોધાયેલા રક્તપિત્તના દર્દીઓને વહેલી તકે શોધી કાઢવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. જિલ્લામાં કુલ ૯૨૧ વિશેષ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આ ટીમોમાં સ્થાનિક આશા બહેનો અને પુરુષ ફીલ્ડ લેવલ વોલેન્ટીયર્સ ખભેખભા મિલાવીને કામ કરશે. ટીમ ઘરે આવીને ૨ વર્ષથી વધુ ઉંમરના તમામ સભ્યોની શારીરિક તપાસ કરશે. જો કોઈ શંકાસ્પદ લક્ષણ દેખાશે, તો તરત જ મેડિકલ ઓફિસર દ્વારા કન્ફર્મ નિદાન કરાવીને તેમની મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ (MDT) સારવાર તે જ દિવસથી શરૂ કરી દેવાશે.
જો આંકડાની નજરે જોઈએ તો આ ઝુંબેશ તાપી જિલ્લા માટે શા માટે સંજીવની સમાન છે તે સમજાશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં રક્તપિત્તનો પ્રમાણ દર પ્રતિ ૧૦,૦૦૦ ની વસ્તીએ માત્ર ૦.૪૨ છે, જે દર્શાવે છે કે રાજ્ય સ્તરે આ રોગ કાબૂમાં છે. એટલું જ નહીં, માર્ચ-૨૦૨૬ સુધીમાં નવસારી, પંચમહાલ, વડોદરા, સુરત અને મહીસાગર જેવા ૫ હાઈએન્ડેમિક જિલ્લાઓએ પણ આ દર ૧ થી નીચે લાવીને એલીમીનેશન (નિર્મૂલન) નું લક્ષ્ય સર કરી લીધું છે.
બીજી તરફ, ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે તાપી જિલ્લામાં આ દર પ્રતિ ૧૦,૦૦૦ ની વસ્તીએ ૨.૦૩ નોંધાયો છે, જે નિયત લક્ષ્યાંક કરતાં વધુ હોવાથી તાપી હજુ પણ ‘હાઈએન્ડેમિક’ શ્રેણીમાં છે. પરંતુ આરોગ્ય તંત્ર આ પડકારને પરિણામલક્ષી પ્રયાસો તરીકે ઝીલી રહ્યું છે. આ LCDC ઝુંબેશ તાપીને આ શ્રેણીમાંથી બહાર કાઢીને સંપૂર્ણ રક્તપિત્ત મુક્ત કરવા માટે નિર્ણાયક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.
છેલ્લા ૮ વર્ષની સરાહનીય સફર
છેલ્લા ૮ વર્ષમાં તાપી જિલ્લામાં ૧૩ જેટલી સફળ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી (RCS) કરીને રક્તપિત્તના કારણે વિકૃતિ પામેલા દર્દીઓના અંગોને ફરી કાર્યરત કરાયા છે. વર્ષ ૨૦૧૬-૧૭ થી મે-૨૦૨૬ સુધીમાં પગમાં બધીરતા (સુનાપણું) ધરાવતા ૪,૦૧૩ દર્દીઓને માઇક્રો સેલ્યુલર રબર (MCR) શૂઝ વિનામૂલ્યે અપાયા છે. આ ખાસ પગરખાં દર્દીઓને પગના ન રૂઝાતા ભયાનક ચાંદા (અલ્સર) અને કાયમી અપંગતાથી બચાવે છે.
રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના અત્યંત સૂક્ષ્મ જીવાણુથી થતો સામાન્ય રોગ છે. તે મુખ્યત્વે ચામડી અને આપણી નર્વ્સ (જ્ઞાનતંતુઓ) ને અસર કરે છે. શરીરના કોઈપણ ભાગ પર આછું, ઝાંખું કે સહેજ રતાશ પડતું એવું ચાઠું, જ્યાં ટાંકણી ભોંકવા છતાં કોઈ જ સંવેદના (સ્પર્શ, ઠંડક કે ગરમી) ન થાય. આ ઉપરાંત હાથ-પગની નસો જાડી થવી અને તેમાં દુખાવો થવો એ પણ તેના લક્ષણો છે.
રક્તપિત્ત સંક્રામક હોવા છતાં કોઈને અડવાથી, હાથ મિલાવવાથી, સાથે બેસીને જમવાથી કે સાથે રહેવાથી ક્યારેય ફેલાતો નથી. આ કોઈ વંશપરંપરાગત રોગ નથી, ન તો પૂર્વજન્મના કર્મનું ફળ છે. તે માત્ર ઉધરસ કે છીંક દ્વારા હવામાં ફેલાઈ શકે છે, તે પણ ત્યારે જ જો સામેવાળા દર્દીની સારવાર ન ચાલતી હોય.
આ રોગ હવે સંપૂર્ણપણે મટી શકે તેવો સાધ્ય રોગ છે. જો વહેલું નિદાન થઈ જાય તો કાયમી અપંગતામાંથી સો ટકા બચી શકાય છે. તાપી જિલ્લાના તમામ નાગરિકો માટે નજીકના તમામ સરકારી દવાખાના, હેલ્થ સબ-સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) કે સિવિલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. (MDT) બહુઔષધિય સારવાર તદ્દન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
