વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તાપી જિલ્લાની સરાહનીય ઉપલબ્ધિઓ

0
વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તાપી જિલ્લાની સરાહનીય ઉપલબ્ધિઓ
Contact News Publisher

૯૦,૭૬૦.૩૨ હેક્ટર વન આચ્છાદન, છેલ્લા ૧૨ વર્ષમાં અંદાજિત ૨.૨૧ કરોડ વૃક્ષોનું વાવેતર

‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ જનભાગીદારીથી ૫૫.૩૪ લાખ વૃક્ષોનું વાવેતર

હરિયાળા વિકાસ સાથે કુદરતના સંરક્ષણમાં તાપી જિલ્લો રાજ્યમાં બની રહ્યો છે આગવું ઉદાહરણ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૦૫ : વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રકૃતિના સંરક્ષણ માટે જનભાગીદારી વધારવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે. આ અવસરે તાપી જિલ્લો વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીને કારણે એક પ્રેરણાદાયી મોડેલ તરીકે ઉભરી આવ્યો છે.

 

તાપી જિલ્લો તેની સમૃદ્ધ વનસંપદા માટે સમગ્ર રાજ્યમાં વિશેષ ઓળખ ધરાવે છે. જિલ્લામાં કુલ ૯૦,૭૬૦.૩૨ હેક્ટર વિસ્તાર હરિયાળા વન આચ્છાદન હેઠળ સુરક્ષિત છે, જે માત્ર જૈવવિવિધતાના જતન માટે જ નહીં પરંતુ પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તાપી જિલ્લાની સરાહનીય ઉપલબ્ધિઓ

વ્યારા વન વિભાગ દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી ૨૨૧.૭૮ લાખથી વધુ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે.ખાસ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી “એક પેડ મા કે નામ” અભિયાનને તાપી જિલ્લામાં અભૂતપૂર્વ લોકસમર્થન મળ્યું છે, જેના પરિણામે અત્યાર સુધી જનભાગીદારીના બળે રેકોર્ડબ્રેક ૫૫.૩૪ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા સામાન્ય નાગરિકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને સંવેદનશીલતાનો ભાવ વિકસ્યો છે.

 

વન વિભાગ દ્વારા માત્ર વૃક્ષારોપણ પૂરતું જ નહીં પરંતુ જળ અને જમીન સંરક્ષણ માટે પણ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ચેકડેમ, વોટર હાર્વેસ્ટિંગ જેવી યોજનાઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. સાથે જ, માટી ધોવાણ અટકાવવા માટે વિવિધ સંરક્ષણાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેનાથી કુદરતી સંપત્તિનું જતન શક્ય બન્યું છે.

 

વન્યજીવોના સંરક્ષણ માટે સઘન પેટ્રોલિંગ, નિયમિત મોનીટરીંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે વન્યજીવ સુરક્ષા મજબૂત બની છે અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વને પ્રોત્સાહન મળ્યું છે.

 

પર્યાવરણ સંરક્ષણ સાથે સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ આપવા માટે તાપી જિલ્લામાં ઇકો-ટુરિઝમના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આંબાપાણી અને પદમડુંગરી જેવા કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોને લોકપ્રિય ઇકો-ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવ્યા છે. અહીં પ્લાસ્ટિક મુક્ત અભિયાન, સ્વચ્છતા જાળવણી અને સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે સ્થાનિક યુવાનો માટે ગ્રીન રોજગારીની નવી તકો પણ ઉભી થઈ રહી છે.

 

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે તાપી જિલ્લાની આ ઉપલબ્ધિઓ એ સાબિત કરે છે કે, સરકારના પ્રયાસો અને જનસહભાગિતાના સમન્વયથી પર્યાવરણ સંરક્ષણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. હરિયાળો તાપી માત્ર જિલ્લાની ઓળખ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સુરક્ષિત અને સ્વસ્થ પર્યાવરણની અમૂલ્ય ભેટ છે.

આલેખન:- સંગીતા ચૌધરી

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *