તાપી જિલ્લો તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે અગ્રેસર

તાપી જિલ્લામાં ગત વર્ષે ૨ હજારથી વધુ જાગૃતિ કેમ્પો, રેલીઓ અને કાઉન્સેલિંગ : ૮ હજારથી વધુ લોકો સહભાગી
—
અંદાજિત ૩૧ હજારથી વધુ વિદ્યાર્થીઓએ તમાકુમુક્ત જીવન જીવવાનો સંકલ્પ લીધો
—
COTPA-2003 હેઠળ ૨૪૯ કેસોમાં કાર્યવાહી કરી અંદાજિત રૂ.૩૮ હજારનો દંડ પણ વસૂલાયો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 30 – વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે 31 મેના રોજ ઉજવાતા વિશ્વ તમાકુ નિષેધ દિવસનો હેતુ તમાકુના સેવનથી થતા આરોગ્ય જોખમો અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવાનો છે. વર્ષ-૨૦૨૬ની અનમાસ્કિંગ ધ અપીલ – કાઉન્ટરિંગ નિકોટીન એન્ડ ટોબેકો એડિક્શન થીમ હેઠળ યુવાનોને નિકોટિન અને તમાકુ ઉત્પાદનો પ્રત્યે આકર્ષિત કરતી ભ્રામક યુક્તિઓ સામે જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
તમાકુનું સેવન મોં, ગળા અને ફેફસાના કેન્સર, હૃદયરોગ, બ્રેઈન સ્ટ્રોક તેમજ શ્વાસ સંબંધિત અનેક ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ છે. ધુમ્રપાનથી માત્ર સેવન કરનાર વ્યક્તિ જ નહીં, પરંતુ તેની આસપાસ રહેલા લોકો પણ “સેકન્ડ હેન્ડ સ્મોક”ના કારણે આરોગ્ય જોખમોનો સામનો કરે છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે.
મહિલાઓમાં તમાકુનું સેવન માતા અને બાળકના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે, જ્યારે યુવાનોમાં તેની લત સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પડકારરૂપ બની શકે છે. આથી શાળા અને કોલેજ સ્તરે જાગૃતિ દ્વારા યુવા પેઢીને તમાકુના વ્યસનથી દૂર રાખવાના પ્રયાસો મહત્વપૂર્ણ બન્યા છે.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ વિરોધી વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જિલ્લામાં ૨,૦૭૯થી વધુ જાગૃતિ કેમ્પો, રેલીઓ, કાઉન્સેલિંગ સત્રો અને આરોગ્ય તપાસ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ૮૦૦૦હજારથી વધુ લોકો જોડાયા હતા. ઉપરાંત શાળા અને કોલેજ સ્તરે આયોજિત કાર્યક્રમોમાં ૩૦,૯૮૫થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તમાકુમુક્ત જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવાએ જણાવ્યું કે, તમાકુનું વ્યસન અનેક ગંભીર અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. તેને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧,૩૯૧ થી વધુ લોકોને તમાકુ છોડવા માટે કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે, જ્યારે ગંભીર વ્યસન ધરાવતા ૬૨થી વધુ લોકોને વ્યસનમુક્તિ કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે. COTPA-2003 હેઠળ ૨૪૯ કેસોમાં કાર્યવાહી કરી અંદાજિત રૂ. ૩૭,૯૦૦નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૮૫થી વધુ ગામોમાં “તમાકુ મુક્ત ગામ” અભિયાન અમલમાં છે અને સતત જનજાગૃતિ, આરોગ્ય તપાસ તથા કાઉન્સેલિંગ કાર્યક્રમો દ્વારા લોકોને વ્યસનમુક્ત જીવન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તમાકુ છોડવાનો સંકલ્પ વ્યક્તિ, પરિવાર અને સમાજના સ્વસ્થ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
