માંગરોળ તાલુકાની પ્રજા માટે લર્નીગ લાઇસન્સ કાઢી આપવા માટે ઝંખવાવ આઇ.ટી.આઇ. ખાતે સુવિધા ઉભી કરાઇ પણ નેટ સેવા અને ઇલેક્ટ્રીક પાવર વારંવાર ખોટકાતા પ્રજા પરેશાન
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાની પ્રજા માટે લર્નીગ લાઇસન્સ કાઢી આપવા માટે સરકારનાં વાહનવ્યવહાર વિભાગ તરફથી તાલુકાનાં ઝંખવાવ ખાતે આવેલી સરકારી આઇ. ટી.આઇ.સુવિધા કેન્દ્ર ઉભું કરવામાં આવેલું છે , જેથી આ તાલુકાની પ્રજાએ આ કામ માટે છેક બારડોલી આર. ટી.ઓ.કચેરી સુધી લંબાવવું ન પડે.
જ્યારે આ સુવિધા ઉભી કરવામાં આવનાર છે એવી જાહેરાત કરાઈ ત્યારે આ વિસ્તારની પ્રજામાં આનંદની લહેર પ્રસરી હતી,પરંતુ ઝંખવાવ ખાતે આ આઇ.ટી.આઇ.માં નેટ સુવિધા અને વીજ પુરવઠો વારંવાર ખોટકાઈ જવાના બનાવ બનતાં લર્નીગ લાઈસન્સ કઢાવવા આવતી પ્રજાએ ઘણી વાર કલાકો સુધી બેસી રહેવું પડે છે ક્યાં તો ઝંખવાવ ખાતેનો ધરમ ધક્કો પણ ખાવો પડે છે, આ કામગીરી કરવાનો સમય બોપોરે ૨.૩૦ થી ૫.૩૦ સુધીનો રાખવામાં આવ્યો છે, આ કામ માટે તાલુકાનાં છેક કુંવરદા થી ઝંખવાવ સુધી એટલે કે ૫૫ કિલોમીટર દૂરથી પ્રજા આવતી હોય અને ઝંખવાવ આવ્યા બાદ નેટ ચાલતું ન હોય કે વીજ પુરવઠો ન હોય ત્યારે આ પ્રજાએ કયાં તો કલાકો સુધી બેસવું પડે અથવા ધરમ ધક્કો ખાઈને પરત જવું પડે છે, ત્યારે ઝંખવાવ ખાતે નિયમિત નેટ સુવિધા ચાલે અને વીજ પુરવઠો નિયમિત ચાલુ રહે એ માટે યોગ્ય આયોજન કરવામાં આવે એવી માંગ પ્રજાજનોએ કરી છે.