માંગરોળ અને ઉમરપાડા સહીત સમગ્ર સુરત જિલ્લામાં એક જ દિવસમાં ૧૩૨૫ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું કરાયેલું વાવેતર
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સુરત જિલ્લામાં ચોમાસાની મૌસમ શરૂ થતાં તથા વરસાદનું આગમન થતાં, સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી છે, વરસાદ પડતાં જ ખેડૂતો વાવણીનાં કાર્યમાં લાગી ગયા છે, અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વાવેતર શાકભાજી, કેળા, ઘાસચારો અને લીલાપડવાશનું થયું છે. સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત સુરત તરફથી જણાવાયું છે કે શાકભાજીનું ૪૧૪ હેક્ટર, લીલોપડવાશ ૩૭૭, કેળાનું ૨૧૧, ઘાસચારો ૨૧૮, કપાસનું ૮૭ હેક્ટરનું વાવેતર તથા ધરૂવાડીયા બનાવવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જ્યારે અન્ય જુવાર, તુવેર, તલ જેવા પાકોનું છુટાછવાયા વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે, બાકીનાં ખરીફ પાકોનું વાવેતર હાલમાં ધીમી ગતિએ આગળ ચાલી રહ્યું છે, છેલ્લા ત્રણ વર્ષનાં ખરીફ પાકનું સરેરાશ વાવેતર હેક્ટરમાં જોઈએ તો માંગરોળ તાલુકામાં ૨૩૫૭૮, ઉમરપાડામાં ૧૫૩૪૬, બારડોલી ૫૭૫૫, ચોર્યાસી ૩૧૦૨, કામરેજ ૪૩૬૮, મહુવા ૧૫૦૪૧, માંડવી ૨૫૦૧૧ હેક્ટર વાવેતર થાય છે.