વ્યારાનું હેપીનેસ ઇન્ડેક્સ – ‘આનંદવિહાર’ સિનિયર સિટિઝન ક્લબ

Contact News Publisher

રૂ. ૧ ચા, રૂ. ૨ કોફી અને રૂ. ૩ ભોજન : ૨૪ વર્ષથી લાગણીઓને જોડતું અનોખું ભાવપત્રક

➤ ૭૧ વર્ષીય નાનચંદભાઈ રાણા કહે છે, આનંદવિહાર ગુજરાતનું નંબર વન સિનિયર સિટિઝન ક્લબ છે 

 

➤ ૮૦ વર્ષીય જશવંતીબેન રાણા ગર્વથી કહે છે કે, “શું ૬૦ વર્ષે માણસ ઘરડો થઈ જાય ? જરાય નહીં… મને ૮૩માં વર્ષે પણ હું વૃદ્ધ હોઉં તેવું લાગતું નથી

વર્ષ ૨૦૦૨ થી આજ સુધી ૨૩૬૦ વડીલોના સ્મિતોથી ઊભુ થયેલું આનંદવિહાર

હવે ૧૬૦૦ સભ્યોમાંથી દરરોજ ૧૨૦ હાજરી, ૮૦થી વધુ સાથે ભોજનમાં ખુશી વહેંચાય

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.19. :- જીવનમાં સાચી ખુશી કેટલી અગત્યની છે તે વ્યારા નગપાલિકા સંચાલિત સીનીયર સિટિઝન ક્લબ આનંદ વિહારથી બહેતર કોણ જાણી શકે ? આ કોન્સેપ્ટ વૃદ્ધાશ્રમથી સાવ જુદો છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા શબ્દ સાંભળતા જ મનમાં એકલતા કે શાંતિના દ્રશ્યો ઉપસતા હોય છે, પણ વ્યારા નગરપાલિકા સંચાલિત સિનિયર સિટિઝન ક્લબ આનંદ વિહારમાં પ્રવેશતા જ આ માન્યતા બદલાઈ જાય છે. કારણ કે અહીં ઉંમર માત્ર એક આંકડો અને ઉત્સાહ અગણિત છે… ટૂંકમાં આ ક્લબ વડીલો માટે સેકન્ડ ઇનિંગની નવી શરૂઆત છે.

ઘણીવાર લોકો તેને વૃદ્ધાશ્રમ સમજવાની ભૂલ કરે છે, પરંતુ આનંદવિહાર એ વૃદ્ધાશ્રમથી સાવ વિપરીત છે. અહીં વડીલો પરિવાર સાથે જ રહે છે, પરંતુ દિવસના અમુક કલાકો પોતાના મિત્રો આનંદવિહારમાં વિતાવે છે. ૮૦ વર્ષના દાદા પણ જ્યારે અહીં કેરમની સ્ટ્રાઈકર પકડે છે, ત્યારે તેમની સ્ફૂર્તિ ૩૦ વર્ષના યુવાન જેવી લાગે છે.

વ્યારા નગરપાલિકા સંચાલિત સિનિયર સિટિઝન ક્લબના ઉપપ્રમુખ સનતકુમાર જોષીએ સંસ્થાની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું કે, આનંદવિહાની સૌથી અનોખી અને સ્પર્શી જાય તેવી બાબત તેનું ભાવપત્રક છે. આ ભાવપત્રક પ્રત્યેક વડીલોની લાગણીઓ સાથે સંકળાયેલુ છે. વર્ષ ૨૦૦૨ માં સંસ્થાના પ્રારંભથી આજે વર્ષ ૨૦૨૬ સુધી એટલે કે ૨૦ વર્ષથી વધુ સમયથી અંહી ૧ રૂપિયામાં ચા, ૨ રૂપિયામાં કોફી અને ૩ રૂપિયામાં સાંજનું સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો વડીલો એક સાથે માણતા આવ્યા છે.

અહીંની સાંજ કંઈક અલગ જ રોનક લઈને આવે છે. જ્યાં ભાઈઓની ટુકડી અને બહેનોની ટુકડી કેરમમાં હાથ અજમાવતી હોય છે. તો બીજી તરફ ટેબલ ટેનિસની જામતી રસાકસી.. બીજા ખુણે દેશના અર્થતંત્ર અને રમતગમત પર ગરમાગરમ ચર્ચાઓ થાય છે, તો પરિસરની બહાર બહેનો ધાર્મિક કથાઓ અને સત્સંગમાં અગ્રેસર હોય છે.

વર્ષમાં બે વાર પ્રવાસનું આયોજન અને દરેક સભ્યના જન્મદિવસની ભવ્ય ઉજવણી આ કલબની ખાસિયત છે. પરિવારને કદાચ જન્મદિવસ યાદ રહે કે ન રહે, પણ આનંદવિહારમાં તો દરેક જન્મદિવસ ઉત્સવ બની જાય છે.

વડીલોના હૈયે છલકાતો આનંદ તેમના મુખે…

ઉંમરનો થાક અદ્રશ્ય થઈ ગયો હોય તેવા ૮૦ વર્ષીય જશવંતીબેન રાણા, જેઓ છેલ્લા બે દાયકાથી ક્લબ સાથે જોડાયેલા છે, તેઓ ગર્વથી કહે છે કે, “શું ૬૦ વર્ષે માણસ ઘરડો થઈ જાય ? જરાય નહીં… નગરપાલિકાએ સુવિધા ઉભી કરી.. ક્લબમાં સંખ્યા પણ વધતી ગઈ.. મને ૮૩માં વર્ષે પણ હું વૃદ્ધ હોઉં તેવું લાગતું નથી. અમે મનથી આજે પણ યુવાન છીએ.”

અમેરિકાથી પરત ફરેલા ૭૫ વર્ષીય ઉષાબેન ભાવસાર માટે સિનિયર સિટિઝન ક્લબ સ્વાસ્થ્યનું સરનામુ છે, તેઓ જણાવે છે કે, “ઘરે હોઈએ તો કદાચ માંદા પડીએ, પણ આનંદવિહારમાં પગ મૂકતા જ અમે સાજા થઈ જઈએ છીએ. આ કોઈ ‘ઘરડા ઘર’ નથી, પણ ઉર્જાનું પાવરહાઉસ છે. અહીંની એનર્જી જોશો તો ખબર પડશે કે યુવાનો કરતા પણ વધુ ઉમંગ અમારામાં છે.”

ક્લબમાં બાળક જેવી હળવાશ અનુભવતા તારાબેન પટેલ કહે છે કે, અમે ક્યારે ચાર વાગે અને ક્યારે ક્લબ આવીએ તેની કાગડોળે રાહ જોતા હોઈએ છીએ. અહીં આવ્યા પછી અમે અમારી ઉંમર ભૂલીને નાના બાળકની જેમ હસી-મજાક અને ગરબા રમીએ છીએ.

નિવૃત શિક્ષક ૭૧ વર્ષીય નાનચંદભાઈ રાણા જણાવે છે કે, અહીં બધા એટલા આનંદમાં રહે છે કે ઘરની ચિંતાઓ ભૂલી જાય છે. શિસ્ત અને મનોરંજનના સમન્વયને કારણે આ ગુજરાતનું નંબર વન સિનિયર સિટિઝન ક્લબ છે.

આનંદવિહારની સાંજ કંઈક અલગ જ રોનક લઈને આવે છે, જ્યાં ભક્તિ અને રમતગમતનો અનોખો સંગમ જોવા મળે છે. ખરેખર, વ્યારાનું આ ક્લબ વડીલો માટે આશીર્વાદ સમાન છે.

છેલ્લા ૨૪ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં અંદાજે કુલ ૨૩૬૦ જેટલા વડીલોએ આ ક્લબના માધ્યમથી પોતાની ‘સેકન્ડ ઇનિંગ’ને યાદગાર બનાવી છે. હાલ આ ક્લબમાં ૧૨૦ વડીલો રોજની સાંજને યાદગાર બનાવે છે. હાલ ૧૬૦૦ જેટલા વડીલો હયાત સભ્યો છે, જેમાં પુરુષોની સંખ્યા ૮૬૦ થી ઉપર છે જ્યારે સ્ત્રીઓની સંખ્યા ૭૪૦ જેટલી છે. લગભગ રોજ ૮૫ વડીલો સાંજનું ભોજન લે છે, જેમાં ૩૫ મહિલાઓ અને ૫૦ જેટલા પુરુષો હોય છે.

નગરપાલિકાના સહયોગથી અહીં વડીલો માટે ક્લબમાં ટેબલ ટેનિસ રૂમ, પૂલ રૂમ, લેડીઝ એન્ડ જેન્ટ્સ રૂમ, લાઇબ્રેરી હોલ, ડાઇનિંગ હોલ તથા ડોક્ટર રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ક્લબ માત્ર મનોરંજનનું કેન્દ્ર નથી, પરંતુ અહીં વડીલોના સ્વાસ્થ્ય માટે મેડિકલ ચેકઅપ, યોગા જેવી સેવાઓ પણ સમયાંતરે પૂરી પાડવામાં આવે છે. મેડિકલ ચેકઅપ માટે ગુરુવારે એક ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે, જેઓ ત્યાંના સભ્યોને તપાસી મફતમાં રોગની દવા આપે છે.

૨૦ માર્ચના રોજ જ્યારે સમગ્ર વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ’ ની ઉજવણી કરે છે, ત્યારે વ્યારાનું ‘આનંદવિહાર’ સિનિયર સિટિઝન ક્લબ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ ક્લબ સાબિત કરે છે કે ખુશી કોઈ ભૌતિક વસ્તુઓમાં નહીં, પણ પરસ્પરના સાથ અને સકારાત્મક વાતાવરણમાં રહેલી છે. અગણિત સ્મિત પીરસતી આ ક્લબ સાચા અર્થમાં તાપી જિલ્લાના ‘હેપીનેસ ઇન્ડેક્સ’ ને ઊંચો રાખ્યો છે. નિવૃત્તિ પછીની આ ‘સેકન્ડ ઇનિંગ’માં વડીલોના ચહેરા પરનું સ્મિત સાબિત કરે છે કે, વ્યારાનું આનંદવિહાર એ માત્ર એક ક્લબ નથી પણ ખુશીઓ વહેંચતું ઉર્જાનું અખૂટ પાવરહાઉસ છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *