બહુમુખી પ્રતિભા ધરાવતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલનાં સ્વૈચ્છિક નિવૃત્તિ સન્માન સમારોહ પ્રસંગે જનમેદની ઊમટી

Contact News Publisher

શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો જ નથી, તે હંમેશા પ્રવૃત જ રહે છે: ધારાસભ્ય, મુકેશભાઈ પટેલ

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સ્વૈચ્છિક નિવૃત્તિ સન્માન સમારોહમાં રાજ્યભરમાંથી સંગઠનનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં

(પ્રતિનિધિ દ્વાર, વ્યારા) :   ઓલ ઈન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં બાહોશ પ્રમુખ એવાં કિરીટભાઈ જયંતિલાલ પટેલનાં સ્વૈચ્છિક નિવૃત્તિનાં અવસરે તેમનાં ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અમીકુંજ વાડી, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. શિક્ષણનાં સૂર્ય અને સંગઠનનાં સિંહ તરીકે જાણીતા કિરીટભાઈ પટેલની શિક્ષણ જગતમાં ૩૮ વર્ષની ગૌરવવંતી શૈક્ષણિક સફર અને સંગઠન ક્ષેત્રે અપ્રતિમ યોગદાન ઉપરાંત તેમની ઓલપાડ તાલુકાથી લઈને રાજ્ય સ્તર સુધી શિક્ષકોનાં હિત માટે નીડર અને ન્યાયસંગત ભૂમિકાનું ઋણ અદા કરવાનાં મંગલમય અવસરે જિલ્લાભરમાંથી શિક્ષક ભાઈ-બહેનો, નિવૃત્ત કર્મચારીઓ, સરપંચો, ગ્રામજનો, પરિવારજનો, મિત્રમંડળ, અધિકારીઓ-પદાધિકારીઓ સહિત વિવિધ તાલુકા, જિલ્લા તથા રાજ્ય શિક્ષક સંગઠનનાં હોદ્દેદારો મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં.

માજી વન અને પર્યાવરણ મંત્રી અને ઓલપાડનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં પ્રમુખસ્થાને યોજાયેલ આ કાર્યક્રમનું ઉદ્દઘાટન જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી (સ્વતંત્ર હવાલો) અને હાંસોટ-અંકલેશ્વરનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી કિરીટભાઈનો જીવન વૃતાંત રજૂ કર્યો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં કિરીટભાઈની તાલુકાથી લઈ રાષ્ટ્રીય સ્તર સુધીની એક નીડર સંગઠન પ્રહરી તરીકેની નિ:સ્વાર્થ ભૂમિકાની સરાહના કરી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાનાં વક્તવ્યમાં કિરીટભાઈની સંઘર્ષથી સફળતા સુધીની યાત્રાને ઉજાગર કરી તેમને એક સારા મિત્ર ગણાવ્યા હતાં. બીજીતરફ સુરતનાં પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને માજી માધ્યમિક શિક્ષણ સચિવ ડી.એસ. પટેલે કિરીટભાઈને શિક્ષણ જગતનાં ધ્રુવ તારક ગણાવી તેમને પ્રાપ્ત થયેલ ‘નેશનલ એવોર્ડ’, ‘રાજ્યપાલ એવોર્ડ’ અને ‘કર્મયોગી રોલ મોડેલ એવોર્ડ’ જેવાં અનેક સન્માનોની બાબતને બિરદાવી હતી.

આ તકે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કિરીટભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે વિશાળ જનમેદની સમક્ષ કિરીટભાઈ પટેલને ખેસ પહેરાવી જણાવ્યું હતું કે અમારા રાજકીય નેતૃત્વમાં નવું મોરપિંચ્છ ઉમેરાયું છે જેનો અમને ગર્વ સાથે આનંદ છે. સમારોહનાં પ્રમુખસ્થાને બિરાજમાન ઓલપાડનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાનાં મનનીય પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો જ નથી, તે હંમેશા પ્રવૃત જ રહે છે તેથી તો તેનાં ચહેરાની ચમક બધાંથી અલગ જ હોય છે. આજે આપણે સૌ કિરીટભાઈને નિવૃત્તિની નહીં બલ્કે પુનઃ પ્રવૃત્તિ માટેની શુભેચ્છા પાઠવવા એકત્રિત થયાં છીએ. આ બહુમુખી પ્રતિભાનાં બહુમાનમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, જિલ્લાઓ પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અરૂણકુમાર અગ્રવાલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય હિરેનભાઈ વ્યાસ, ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળનાં પ્રમુખ સતીષભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી ઉત્સાહપૂર્વક સહભાગી થયાં હતાં. પોતાનાં પ્રતિભાવમાં ભીની આંખે કિરીટભાઈએ તેમની સમગ્ર પ્રગતિનો શ્રેય તેમની સ્વર્ગસ્થ ધર્મપત્ની શિલ્પાબેનને સમર્પિત કર્યો હતો. અંતમાં સેવામૂર્તિની સ્વૈચ્છિક નિવૃત્તિને યાદગાર બનાવવા તાલુકાનાં શિક્ષણ આલમે ડીજેનાં તાલ સાથે વાજતગાજતે કિરીટભાઈને બગીમાં સવાર કરી તેમનાં માદરેવતન સ્યાદલા સુધી ભાવભીની વિદાય આપી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *