વ્યારાના પાનવાડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ
વૈજ્ઞાનિક અભિગમ અને લાઈવ નિદર્શન દ્વારા ૧૨૫ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 23 :- તાપી જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા વાલોડ અને ઉચ્છલ તાલુકાના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ’ અંતર્ગત પાનવાડી સ્થિત ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’ ખાતે શનિવારે વિશેષ તાલીમ શિબિર યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં બેડકુવા અને ખાબદા ક્લસ્ટરના ૧૨૫ જેટલા સ્વયં પ્રેરિત ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રસાયણમુક્ત ખેતી તરફ વાળીને કુદરતી સંસાધનોના જતન સાથે ખેતી કરતા શીખવવાનો હતો.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સી. ડી. પંડ્યા અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો – બીજામૃત, જીવામૃત-ઘન જીવામૃત, આચ્છદન, વાફસા અને સહજીવન વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વધતા જતા ખેત ઉત્પાદન ખર્ચ અને હવામાન પરિવર્તનના સમયમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે.
કાર્યક્રમના અંતિમ તબક્કે ખેડૂતોને જીવામૃત બનાવવાનું લાઈવ નિદર્શન બતાવવામાં આવ્યું હતું અને મોડેલ ફાર્મની મુલાકાત કરાવીને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માત્ર ખેતી નથી, પરંતુ પર્યાવરણ, ખેડૂત અને ગ્રાહક, એમ ત્રણેયના હિત માટેનો સર્વાંગી માર્ગ છે. રસાયણમુક્ત ખોરાકની વધતી માંગને પહોંચી વળવા માટે જમીનને જીવંત રાખવી જરૂરી છે, જે આ પદ્ધતિ દ્વારા શક્ય બને છે.
આ તાલીમ થકી ખેડૂતો કુદરત સાથે સમન્વય સાધીને ખેતી કરતા થાય અને આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન છોડી જાય તેવો સકારાત્મક અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
