ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી
તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગે ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી
—
> વિમાનમાં બેસીને ઇસરો પ્રવાસે જનારા ૨૮ આદિજાતિ બાળકો તાપી જિલ્લાનું ગૌરવ છે
> વિકાસની નવી ક્ષિતિજો સર કરશે નવનિર્મિત ઉકાઈ તાલુકો
> શિક્ષણ-સ્વાસ્થ્ય, ખેતીક્ષેત્રે તાપી જિલ્લાએ હરણફાળ ભરી છે
—
સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો, શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને ‘ડોગ શો’ એ જમાવ્યું આકર્ષણ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : :- તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે ભારતના ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે કલેક્ટર ડો. વિપીન ગર્ગે ગૌરવભેર ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરતા જણાવ્યું કે, સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ એ તાપી જિલ્લાની સાચી ઓળખ છે. સાચી ઓળખ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત વિમાન પ્રવાસ કરી ઇસરોની મુલાકાત લેનાર ૨૮ આદિજાતિ બાળકો પણ છે. આ બાળકો આપણા જિલ્લાના ભવિષ્યના વૈજ્ઞાનિકો અને ખરા અર્થમાં ‘તાપી કે તારે’ છે.
વિકાસના નિતનવા ક્ષિતિજોને સર કરવા નવનિર્મિત ઉકાઈ તાલુકા સંદર્ભે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી યોજનાઓના લાભો અને સુવિધા પહોંચાડવા તેમજ વહીવટી સરળતા માટે સોનગઢમાંથી વિભાજિત થયેલ નવનિર્મિત ઉકાઈ તાલુકાની રચના કરી છે. આ નિર્ણય ઉકાઈ તાલુકાના વિકાસની ગતિએ વેગ આપશે.
વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે તાપી જિલ્લાના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે અનેકવિધ પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. વર્ષ 2025ની બોર્ડ પરીક્ષામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 95.08 ટકા અને ધોરણ-10નું 81.81 ટકા પરિણામ તેનુ ઉત્તમ ઉદાહરણ છે.
તેમણે કહ્યું કે, સરકારની પીએમ આવાસ યોજના હેઠળ જિલ્લાના 21682 લાભાર્થીઓના પાકા મકાનનું સપનું સાકાર થયું છે. જિલ્લામાં 10627 સખી મંડળો આર્થિક રીતે સશક્ત બન્યા છે. આયુષ્માન ભારત હેઠળ 8290 દર્દીઓને રૂ. 9 કરોડથી વધુની મફત સારવાર મળી છે. જિલ્લામાં 15690 ખેડૂતો 7687 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
વધુમાં ઉમેર્યુ કે, સરકારે રૂ. 116.07 કરોડના ખર્ચે 176 કિ.મી. લંબાઈના 88 રસ્તા અને 19 સ્ટ્રક્ચરના કામો મંજૂર કર્યા છે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાની યોજનાઓ હેઠળ બીજા રૂ. 21.90 કરોડના 72 કામોનું આયોજન છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પણ જિલ્લામાં શિક્ષણ, નિવાસ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે.
ધ્વજવંદન બાદ કલેક્ટરશ્રીએ ખુલ્લી જીપ્સીમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેઓની સાથે જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ તથા કમાન્ડર (પીઆઈ) સુશ્રી બી.બી. ચોવટીયા પણ જોડાયા હતા. પોલીસ જવાનોની વિવિધ ટુકડીઓએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને તાલબદ્ધ રીતે વોલી ફાયરિંગ કરીને રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી પોતાની શૌર્યશક્તિનું પ્રદર્શન કરીને પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાનમાં વધારો કર્યો હતો.
આ તકે કલેક્ટર ડો. વિપીન ગર્ગે ઉચ્છલ તાલુકાના વિકાસ કામો માટે તાલુકા વિકાસ અધિકારીને રૂ. 25 લાખનો ચેક એનાયત કર્યો હતો. વધુમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું જિલ્લા કલેક્ટરશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં 6 પ્લાટુનની શિસ્તબદ્ધ પરેડ, જનકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરતા વિવિધ વિભાગના 11 જેટલા આકર્ષક ટેબ્લો અને ડોગ શોના આકર્ષક કરતબોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્યો અને દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.
‘વંદે માતરમ’ના ગાન અને સામૂહિક વૃક્ષારોપણ સાથે ઉજવણીનું ભવ્ય સમાપન થયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મહિલાઓ, બાળકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
