કિસાન સૂર્યોદય યોજનાએ તાપી જિલ્લાના ૫૧૮ ગામોના ૪૫ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં પાથર્યો સુરક્ષાનો ઉજાસ
હવે મિત્રોના ટોળાની જરૂર નથી, દિવસે વીજળી મળતા અમે આત્મનિર્ભર અને ચિંતામુક્ત બન્યા – જયેશભાઈ ગામીત
—
નાની ચીખલીના ખેડૂત મિત્રોની ટુકડીએ વ્યક્ત કર્યો આનંદ : કહ્યું, ખેતીમાં શ્રમ ઘટ્યો અને સુરક્ષા વધી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૩ :- વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં જ્યારે રાત પડતી, ત્યારે ખેડૂતોને શિયાળામાં થીજવી દેતી ઠંડી અને ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓના ભય વચ્ચે ખેતરમાં પાણી વાળવા જવું પડતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. હવે રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભય ખેડૂતો માટે ભૂતકાળ બની ચૂક્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની ‘કિસાન સૂર્યોદય યોજના’ એ તાપી જિલ્લાના ૫૧૮ ગામોના ૪૫ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં સુરક્ષાનો ઉજાસ પાથર્યો છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના હેમંતભાઈ ગામીત, મિહિરભાઈ ગામીત, જયેશભાઈ ગામીત અને સાવનભાઈ ગામીત સહિત પાંચ મિત્રોની ટુકડીએ આ યોજના અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે.
જયેશભાઈ ગામીત ભૂતકાળના દિવસો યાદ કરતા કહે છે કે, અગાઉ ખેતીવાડી સિંચાઇ માટે રાત્રે વીજળી મળતી હોવાથી ખેતરમાં પાણી વાળવા જતી વખતે ભારે અસુરક્ષા અનુભવાતી હતી. ભયને કારણે અમારે ફરજિયાત મિત્રોના ટોળા સાથે જ ખેતરે જવું પડતું હતું, જેના કારણે સમયનો પણ ઘણો બગાડ થતો. જો ક્યારેક મિત્રો ભેગા ન થઈ શકે, તો અમે ખેતરે જવાનું ટાળતા હતા. રાત્રે ખેતરમાં પાણી વાળવું અને પાળ બાંધવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું, જેના કારણે ખેડૂતોનો શ્રમ પણ વધી જતો હતો.
કિસાન સૂર્યોદય યોજનાથી હવે ખેડૂત મિત્રોની ટુકડી ખુશ છે તેઓએ જણાવ્યું કે, ખેડૂતોની આ શારીરિક અને માનસિક પીડાને રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે સમજી છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા આ મુશ્કેલીઓનો કાયમી નિકાલ આવ્યો છે. હવે દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થતા ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓનો ડર રહ્યો નથી. ખેડૂતો હવે રાત્રિનો સમય પોતાના પરિવાર સાથે શાંતિથી વિતાવી શકે છે. મિત્રોની રાહ જોયા વિના ખેડૂત સ્વતંત્ર રીતે પોતાના ખેતરમાં કામ કરી શકે છે.
આ પ્રસંગે ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી એસ.એફ. ચૌધરીએ જણાવ્યું કે, ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ તાપી જિલ્લાના ૫૧૮ ગામોના ૪૫ હજારથી વધુ ખેડૂતોને હવે દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ યોજનાના અમલીકરણથી રાત્રિના સમયે ખેતીકામમાં પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવ્યો છે.
નોંધનીય છે કે, આ યોજનાના માધ્યમથી સરકારે ખેડૂતોની સુરક્ષા, કાર્યક્ષમતા અને સામાજિક જીવનની ચિંતા કરી છે. સવારે વીજળી મળતા ખેડૂતોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આ જ સાચુ સુશાસન છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
