“એક ભારત, આત્મનિર્ભર ભારત” ના સંકલ્પ સાથે વ્યારામાં ભવ્ય ‘યુનિટી માર્ચ’ યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી વર્ષ નિમિત્તે તાપી જિલ્લાએ એકતાનો સંદેશો ગુંજવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯: રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે, આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસામુંડા સર્કલ પર ભવ્ય ‘યુનિટી માર્ચ’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં “એક ભારત, આત્મનિર્ભર ભારત” ના મંત્રને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.વ્યારાના ઐતિહાસિક બીરસા મુંડા સર્કલ ખાતેથી આ ‘યુનિટી માર્ચ’નો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુ વસાવા, ધારાસભ્ય શ્રી મોહન કોકણી, કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, અને પોલીસ અધિક્ષક શ્રી જશુભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, નગરપાલિકા પ્રમુખ શ્રી રિતેશ ઉપાધ્યાય અને સ્થાનિક અગ્રણી શ્રી સૂરજ વસાવા સહિતના મહાનુભાવોએ સંયુક્તપણે લીલી ઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ, આ ‘યુનિટી માર્ચ’માં મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. “સરદાર પટેલ અમર રહો” અને “ભારત માતા કી જય” ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પદયાત્રા વ્યારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગામ કોહલી, તા. વ્યારા ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં એક ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય “ચાલો, એકતાનો સંદેશ પ્રસરાવીએ – રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ” ના વિચારને જન-જન સુધી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સાહેબના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી, સૌને રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઈ રહેવા આહ્વાન કર્યું હતું. આ યુનિટી માર્ચ થકી સમગ્ર તાપી જિલ્લાએ સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રસ્થાન સમારોહમાં સંબોધતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પદયાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો છે. તેમણે સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના અમૂલ્ય યોગદાનની ભરપૂર પ્રશંસા કરતાં ભારપૂર્વક જણાવ્યું કે આઝાદી પછી ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ સરદાર સાહેબે જ કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબને યોગ્ય સન્માન આપીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું નિર્માણ કરાવ્યું છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત યુવાનોને એકતાની ભાવના સાથે આગળ વધવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે આહ્વાન કર્યું હતું. આ યુનિટી માર્ચ થકી સમગ્ર તાપી જિલ્લાએ એકતાનો સંદેશ ગુંજવીને સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ રાષ્ટ્રીય એકતાની અભિવ્યક્તિના કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી ક્ષેત્રના અગ્રણીઓએ તેમની પ્રતિભા અને પદની ગરિમા સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુ વસાવા, અને સ્થાનિક ધારાસભ્ય શ્રી મોહન કોકણી જેવા જનપ્રતિનિધિઓ જોડાયા હતા. આ ઉપરાંત, કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી રામનિવાસ બુગાલિયા, અને પોલીસ અધિક્ષક (SP) શ્રી જશુભાઈ દેસાઈની સક્રિય હાજરી નોંધાઈ હતી. સાથે જ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, નગરપાલિકા પ્રમુખ શ્રી રિતેશ ઉપાધ્યાય અને અગ્રણી શ્રી સૂરજ વસાવા પણ આ પદયાત્રામાં જોડાયા હતા. આ તમામ મહાનુભાવોએ સરદાર પટેલના આદર્શોને યાદ કરીને સૌને રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઈ રહેવા આહ્વાન કર્યું હતું, જેના થકી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
