રાજ્યકક્ષાના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કમોસમી વરસાદથી તાપી જિલ્લાના ખેડૂતોને થયેલ પાક નુકસાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
તાપી જિલ્લામા થયેલ પાક નુકશાનનો યોગ્ય સર્વે રિપોર્ટ તૈયાર કરી ખેડૂતોને મદદ રૂપ થવાની ભાવના વ્યક્ત કરતા-રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 28. તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ સંદર્ભે તાપી જિલ્લામાં પાક નુકસાન અંગેની સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડમાં રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ રાજ્યકક્ષાના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
બેઠક દરમિયાન તાપી જિલ્લામાં ડાંગર સહિતના વિવિધ ખેતીપાકોને થયેલ નુકસાન અંગે જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ દ્વારા વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.મંત્રીશ્રીઓએ જણાવ્યુ હતું કે તેઓએ જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની હાલત વિશે માહિતી મેળવી છે.
રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આગમી બે દિવસાઓમાં વરસેલા કમોસમી વરસાદથી તાપી જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને મોટાપાયે નુકસાન થયું છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક યોગ્ય સર્વે કરી પાક નુકસાનીનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા તેમજ ખેડૂતોને મદદરૂપ થવા સૂચના આપી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે ત્યારે ખેતી પાક નુકસાનીનો યોગ્ય અહેવાલ સરકારમાં રજુ કરી તમામ પ્રકારે મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી હતી.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓને પાક નુકસાનના સર્વેક્ષણની કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવા સૂચના આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક પણ વિસ્તાર સર્વેમાંથી બાકી ન રહે અને જેમના પાકને વાસ્તવમાં નુકસાન થયું છે એવા તમામ ખેડૂતોની સચોટ વિગતો તૈયાર કરવામાં આવે.
બેઠક દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લા કક્ષાનો પાક નુકસાન અહેવાલ રજૂ કર્યો હતો. જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા રજૂ કરાયેલા અંદાજ મુજબ તાપી જિલ્લામાં કુલ ૬૯,૩૯૨ હેક્ટર વિસ્તારમા ડાંગરનું વાવેતર થયેલું છે, જેમાંથી ૨૧,૩૨૧ હેક્ટર વિસ્તારની કાપણી થઈ ગઈ છે. ડાંગર, જુવાર, કપાસ અને સોયાબીન સહિત કુલ ૮૪,૦૬૪ હેક્ટર વિસ્તારમા પાક વાવેતર થયેલ છે, જેમાંથી ૨૬,૮૪૮ હેક્ટર પાકની કાપણી થઈ ગઈ છે જ્યારે ૫૭,૨૧૬ હેક્ટર વિસ્તારમા પાક હજુ કાપવાનું બાકી છે. જો વરસાદ ચાલુ રહેશે તો ડાંગરના પાકની સ્થિતિ વધુ નબળી થવાની શક્યતા છે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
