તાપી ફન ફેસ્ટમાં શિક્ષણ વિભાગનો સ્ટોલ પર્યાવરણ સંરક્ષણ માટેનો શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો
શિક્ષક વિમલ ટંડેલે રાજ્યના શિક્ષકો-વિદ્યાર્થીઓના સહયોગથી ૧,૫૧,૦૦૦થી વધુ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરીને વ્યક્તિગત પ્રયાસને બળ આપ્યું
–
વર્લ્ડ રેકોર્ડ અને મેડલથી સન્માનિત વિમલ ટંડેલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ કર્યા પ્રોત્સાહિત
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. – તાપી જિલ્લાના મિશન લાઈફ હેઠળ તાપી ફન ફેસ્ટમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી. આ પર્યાવરણ જાળવણીને કેન્દ્રમાં રાખીને યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ વિભાગનો સ્ટોલ વિશેષ આકર્ષણનો કેન્દ્ર રહ્યો હતો, જ્યાં પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે શિક્ષકો દ્વારા અનોખો પ્રયાસો કરાયો છે.
ઉચ્છલ તાલુકાના ગણિત-વિજ્ઞાનના શિક્ષકશ્રી વિમલ ટંડેલ દ્વારા સફળતાપૂર્વક આગળ ધપાવવામાં આવેલા પર્યાવરણ જાળવણીના અભિયાનમાં રાજ્યભરના ૧૬૦ શિક્ષકો અને ૫૧ હજારથી વધુ વિદ્યાર્થીઓના સહયોગથી ૧,૫૧,૦૦૦ થી વધુ પ્લાસ્ટિક બોટલો ભેગી કરવામાં આવી હતી. પ્લાસ્ટિક કચરાના નિયંત્રણ માટે તેમણે બાળકોમાં પ્લાસ્ટિક કચરાને પ્લાસ્ટિક બોટલમાં જ નાખવાની ખાસ સમજણ પ્રદાન કરીને , જે પ્લાસ્ટિકના નુકસાનને ઘટાડી કચરાના યોગ્ય નિકાલ માટેની એક અનોખી પહેલ છે.
શ્રી વિમલ ટંડેલને તેમની આ શ્રેષ્ઠ કામગીરી માટે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાંથી પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યું છે. તેમણે પોતાની શાળામાં જ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી અને તેનો રિસાયકલિંગ પણ કરાવ્યું છે.
તાપી ફન ફેસ્ટ દરમિયાન પર્યાવરણ સંરક્ષણના સંદેશાને વેગવાન બનાવવા માટે સ્ટોલ દ્વારા લોકોને પ્લાસ્ટિકના હાનિકારક અસરો અંગે માહિતગાર કરવામાં આવ્યું અને પ્લાસ્ટિકના નહીવત ઉપયોગ તેમજ યોગ્ય નિકાલ માટે પ્રેરણા આપવામાં આવી હતી.
તાપી જિલ્લામાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે મિશન લાઈફ – તાપી ફન ફેસ્ટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આવી પહેલો તથા કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં પર્યાવરણ, સ્વચ્છતા અને તંદુરસ્ત જીવનશૈલીની ભાવના કેળવવા માટે પ્રોત્સાહિત કરી હતી. ફન ફેસ્ટના માધ્યમથી મહિલા-બાળકો, યુવાનો સહિત નાગરિકોમાં પર્યાવરણ જાળવણીની ભાવના કેળવાઈ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
