તાપી જિલ્લામાં પ્રથમ વખત “સ્ટેપ એડોપ્શન” હેઠળ દત્તક આદેશ એનાયત

Contact News Publisher

અડોપ્શન રેગ્યુલેશન ૨૦૨૨ અંતર્ગત કલેક્ટરશ્રીએ “સ્ટેપ ફાધર”ને કાયદેસર દત્તક આદેશ આપીને તાપીમાં બાળ સુરક્ષાના ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યુ

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 13: જિલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી દ્વારા અડોપ્શન રેગ્યુલેશન-2022 મુજબ પ્રથમ વખત “સ્ટેપ એડોપ્શન” (સાવકા માતા અથવા પિતા દ્વારા બાળકને કાયદેસર દત્તક લેવાની પ્રક્રિયા) અંતર્ગત તાપી જિલ્લામાં ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના હસ્તે તાપી જિલ્લાના પ્રથમ “સ્ટેપ ફાધર”ને કાયદેસર દત્તક આદેશ એનાયત કરવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ દત્તક લેનાર વાલીઓને બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમને આ નવી દિશામાં કરેલા સકારાત્મક પ્રયત્નો બદલ અભિનંદન પાઠવ્યા હતા.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એલ.બી. પટેલે જણાવ્યું હતું કે અગાઉ બાળકને દત્તક લેવાની સંપૂર્ણ પ્રક્રિયા કોર્ટ મારફતે થતી હતી. પરંતુ અડોપ્શન રેગ્યુલેશન-2022 અમલ બાદ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) દ્વારા નક્કી કરાયેલા માર્ગદર્શિકા મુજબ હવે દત્તક આદેશ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જ એનાયત કરવામાં આવે છે.

નોંધનીય છે કે, સોનગઢ તાલુકાના એક પરિવારે બે બાળકોને કાયદેસર રીતે દત્તક લેવા CARA પોર્ટલ મારફતે ઑનલાઇન અરજી કરી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિજય રાઠોડની દેખરેખ હેઠળ સુરક્ષા અધિકારી (બિન-સંસ્થાકીય સંભાળ) શ્રી અનંત નાયક દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. બાદમાં CARA તરફથી મળેલ પ્રિ-અપ્રુવલ લેટર બાદ દત્તક આદેશ માટેની ફાઈલ જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

ત્યાર બાદ, જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના હસ્તે તાપી જિલ્લાના પ્રથમ “સ્ટેપ ફાધર”ને દત્તક આદેશ એનાયત કરવામાં આવ્યો જે જિલ્લાનાં બાળક સુરક્ષા ક્ષેત્રમાં એક નવી દિશા અને પ્રેરણાત્મક ઉદાહરણ તરીકે નોંધાયું છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *