કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શતાબ્દી વર્ષની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સને ૧૯૨૫ માં બે બાળકોથી શરૂ થયેલી સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હાલ શતાબ્દી વર્ષ ઉજવી રહી છે ત્યારે આ ઉજવણીને યાદગાર બનાવવા વરીયાવ તાપી કિનારે આવેલ કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩ નાં બાળકો તથા શિક્ષકગણે સમગ્ર શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં ૧૨ માં અધ્યાયનું શ્લોક ગાન કરી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતી સુવિધા જેવીકે બે જોડી યુનિફોર્મ, બૂટ મોજા, સ્પોર્ટ્સ યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્પોર્ટ્સ શૂઝ, સ્ટેશનરી કીટ. પાઠ્યપુસ્તકો, અલ્પાહાર, મધ્યાહન ભોજન, ટેકનોલોજીયુક્ત સ્માર્ટ પેનલ, કમ્યુટર લેબ વગેરેનાં બેનર સાથે ગામમાં પ્રભાતફેરી કરવામાં આવી હતી. શતાબ્દી વર્ષ અંતર્ગત નિબંધ, વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને વિવિધ ઇન્ડોર તથા આઉટડોર ગેમ્સ રમાડવામાં આવી હતી. શાળાનાં બાળકોએ ૧૦૦ નાં આકારમાં દીવડા પ્રગટાવી અનોખી રંગોળી બનાવી હતી. પટાંગણમાં સેલ્ફી પોઈન્ટ બનાવી શતાબ્દી વર્ષની યાદગાર સ્મૃતિ કંડારવામાં આવી હતી. આ તકે શાળાનાં આચાર્ય અલ્પેશ પટેલ દ્વારા સૌને શતાબ્દી વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને શતાબ્દી વર્ષ ઉજવણીનાં કન્વીનર એવાં શિક્ષિકા મનિષા પટેલે સહકર્મી શિક્ષક ભાઈ-બહેનોનાં સહયોગથી ઉત્સાહપૂર્વક સુપેરે પાર પાડ્યો હતો.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
