નવી શિક્ષક આવૃત્તિ અંતર્ગત ઓલપાડ તાલુકાનાં ધોરણ 3 થી 5 નાં ગણિત વિષય શિક્ષકોને તાલીમ આપવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજય, શિક્ષણ વિભાગ દ્વારા NEP-2020 જ NCF-2025 આધારિત અભ્યાસક્રમ, પાઠયપુસ્તકો, અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા તેમજ મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ-3 થી 5 નાં ગણિત વિષયની દ્રિદિવસીય તાલીમ અત્રેની ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી.
સદર તાલીમ વર્ગમાં ગણિત વિષયનાં કઠિનબિંદુઓનું સરળીકરણ, અધ્યયન નિષ્પત્તિઓની સમજ, રમત દ્વારા શિક્ષણ જેવી મહત્ત્વપૂર્ણ બાબતો તજજ્ઞ એવાં ચેતના પટેલ (મુળદ), જતીન પટેલ (રાજનગર), દક્ષા પટેલ (અટોદરા), જિજ્ઞાસા સોલંકી (સાયણસુ.ફે.), પારૂલ પટેલ (ઓલપાડ) તથા મહેન્દ્ર પટેલ (છીણી) દ્વારા સુનિયોજિત રીતે હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ તાલીમાર્થી શિક્ષક ભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતાં.
તાલીમનાં પ્રારંભે ઉપસ્થિત બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે તાલીમાર્થીઓને તાલીમમાં મેળવેલ ઉત્તમ શૈક્ષણિક ભાથુ પોતાનાં વર્ગખંડ સુધી પહોંચાડી બાળકોની ગુણવત્તાને અપેક્ષિત સ્થાને લઈ જવા અનુરોધ કર્યો હતો. સદર તાલીમવર્ગનું સુચારુ સંચાલન ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળાનાં આચાર્ય કૈલાશ વરાછીયાનાં દ્વારા કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
