તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવતાં કીમ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા નીશા પાટણવાડિયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લાનાં શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા નીશાબેન પાટણવાડિયાની પસંદગી થતાં કીમ પંથકમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી.
શિક્ષકદિનનાં વિશેષ અવસરે રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગની પ્રેરણા સહ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનાં રાજય કક્ષાનાં મંત્રી અને ઓલપાડનાં ધારાસભ્ય એવાં સમારોહનાં અધ્યક્ષ મુકેશભાઈ પટેલનાં હસ્તે નીશાબેન પાટણવાડિયાએ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સ્વીકાર્યો હતો. આ તકે તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા હતાં, સાથે જ તેમને સન્માનપત્ર સહિત રોકડ પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમની આ ઉપલબ્ધિ બદલ કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ, કેન્દ્રાચાર્ય પુષ્પા રાવળ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ સતિષ પરમાર, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત વાલીજનોએ અભિનંદન પાઠવ્યાં હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
