નમો કે નામ રક્તદાન બેનર હેઠળ યોજાયેલ મહા રક્તદાન કેમ્પને ઓલપાડ તાલુકામાં અભૂતપૂર્વ સફળતા સાંપડી
મોટી સંખ્યામાં કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સૌને સેવાભાવ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે: મુકેશભાઈ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યશસ્વી વડાપધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસને અનુલક્ષીને રાજ્યનાં તમામ સરકારી કર્મચારી મંડળો દ્વારા તાલુકા મથકોએ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા પણ ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળા તથા કીમ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો સહિત સરપંચો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, વાલીજનો, યુવાનો સહિત ભાજપા સંગઠનનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.
‘નમો કે નામ રક્તદાન’ બેનર હેઠળ યોજાયેલ આ કેમ્પને ઓલપાડ તાલુકામાં ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો. તાલુકાને ફાળવેલ નિર્ધારિત લક્ષ્યાંક કરતાં બમણાંથી વધુ ૬૩૯ યુનિટ રક્ત એકત્ર કરીને સમગ્ર રાજ્યમાં ઓલપાડ તાલુકાએ અગ્રેસર રહીને વડાપધાનશ્રીને ઐતિહાસિક ભેટ અર્પણ કરેલ છે. રાજ્યનાં વન અને પર્યાવરણમંત્રી મુકેશભાઈ પટેલે બંને કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતાં. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો, કેન્દ્ર શિક્ષકો, મુખ્યશિક્ષકો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, મહામંત્રી સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા જિજ્ઞેશભાઇ પટેલ, દંડક કિશોરભાઈ રાઠોડ સહિત સંગઠનનાં કાર્યકરો વચ્ચેનાં યથાયોગ્ય સંકલનનાં પરિણામ સ્વરૂપ તાલુકાએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ યજ્ઞકાર્યમાં સહભાગી એવાં તમામ રક્તદાતાઓને વોલેન્ટરી બ્લડ સેન્ટર, સ્મીમેર હોસ્પિટલ, સુરત તરફથી પ્રમાણપત્ર તથા એલ. એન્ડ ટી. હજીરા તરફથી સ્મૃતિરૂપે વોટર બોટલ ભેટ આપવામાં આવી હતી. આ તકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ વડાપ્રધાનનાં જન્મદિવસને ટાંકીને સૌને અભિનંદન પાઠવ્યા હતાં.
આ મહા રક્તદાન કેમ્પનાં સમાપન પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનનાં જન્મદિવસને યાદગાર બનાવવા યોજાયેલ સદર કેમ્પને અપેક્ષા કરતાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે જે ગૌરવપ્રદ બાબત છે. આ રક્તદાન કેમ્પ દ્વારા એકત્રિત થયેલ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓ માટે થશે જે એક પ્રેરણાદાયક અને માનવતાભર્યું પગલું હશે. અંતમાં શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે કેમ્પને સફળતા બક્ષવા જહેમત ઉઠાવનાર તાલુકાનાં શિક્ષક ભાઈ-બહેનો, દરેક ગામનાં સરપંચો, યજમાન શાળાઓનાં સ્ટાફગણ, ડોક્ટર્સ, દાતા સહિત ભાજપા સંગઠનનાં કાર્યકરોનો સંયુક્તપણે આભાર વ્યક્ત કરી સદર કાર્યક્રમને વડાપધાનનાં જન્મદિવસની સૌથી શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
