ઓલપાડનાં અસનાડ ગામનાં એસ.ટી. કર્મી મહેશ પટેલનો નિવૃત્તિ શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, સુરત વિભાગમાં છેલ્લાં 24 વર્ષથી કંડક્ટર તરીકે તથા છેલ્લાં 6 વર્ષથી સુરત ગ્રામ્ય ડેપો પર ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતાં ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામનાં વતની મહેશભાઈ ધનજીભાઈ પટેલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનો નિવૃત્તિ શુભેચ્છા વિદાય સમારંભ ઉધના એસ.ટી. ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો. ઉધના એસ.ટી. ડેપો મેનેજર ભાવેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારંભમાં ઉધના ડેપોનાં કંડકટર, ડ્રાઇવર અને ટ્રાફિક કંટ્રોલર મિત્રો તેમજ ડેપો લેવલનાં ઉચ્ચ અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં એસ.ટી. વિભાગમાં મહેશભાઈની 30 વર્ષની નિ:સ્વાર્થ અવિરત સેવાને બિરદાવીને તેમને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમનાં સહકર્મી પંકજભાઈ છગનભાઈ પટેલ (કંડક્ટર બેઝ નં. ૯૦૩ ગામ- મંદરોઈ) સહિતનાં કર્મચારીઓએ તેમની સરાહનીય કામગીરીને બિરદાવીને તેમનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી બહુમાન કર્યું હતું. અંતમાં આભારદર્શન વ્યક્ત કરતી વેળા પોતાનાં કાર્યકાળને વાગોળતાં વાગોળતાં મહેશભાઈ ભાવવિભોર થયાં હતાં. આ તકે તેમણે પોતાની સફળ જીવનયાત્રાનો શ્રેય તેમનાં ધર્મપત્નીને અર્પણ કર્યો હતો.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
