તાપી જિલ્લામાં ‘સન ડે ઓન સાયકલ’ સ્પર્ધામાં રમતવીરો-યુવાનોની ઉત્સાહભેર ભાગીદારી
જિલ્લા સેવાસદનના પટાંગણથી ૫૦૦થી વધુ સાયકલિસ્ટને પ્રસ્થાન કરાવતા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
–
રાજ્ય સરકારે રાજ્યમાં રમતગમતનું વાતાવરણ ઉભું કરવા સકારાત્મક અભિગમ અપનાવ્યો છે : સાંસદશ્રી વસાવા
–
૨૦-૫૦ કિ.મી.ની સાયકલ સ્પર્ધામાં ભાગ લઈ રમતવીરો-યુવાનોએ તંદુરસ્ત જીવનશૈલીનો પ્રેરક સંદેશ પાઠવ્યો
–
સાંસદશ્રીએ આગામી યોજાનાર સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ ની જાહેરાત (પોર્ટલ લોન્ચ) કરી
–
રાષ્ટ્રીય ખેલ દિવસનો આશય રમતગમતને જીવનશૈલી સાથે જોડવાનો : ત્રીજા દિવસે સાયકલોથોન સ્પર્ધા યોજાઈ*
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : : તા. ૩૧ :- હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય ખેલ દિવસની ત્રિ-દિવસીય ઉજવણીના અંતિમ દિવસે એટલે કે ૩૧ ઑગસ્ટના રોજ જિલ્લા સેવાસદનના પટાંગણમાં ‘સન ડે ઓન સાયકલ’ સ્પર્ધામાં પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ ૨૦-૫૦ કિ.મી.ની સાયકલ સ્પર્ધાના સ્પર્ધકોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતાં.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગદાન અને દિશાનિર્દેશ હેઠળ, રમતગમતને જીવનશૈલી સાથે જોડીને તથા યુવાનો તંદુરસ્ત જીવન જીવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સાથોસાથ રાજ્ય સરકારે રમતક્ષેત્રે વિશેષ પ્રાધાન્ય આપીને રાજ્યમાં રમતગમતનું વાતાવરણ નિર્માણ કરીને નવી પ્રતિભાને વિવિધ મંચ પૂરું પાડવા સકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
સાંસદશ્રીએ આ તકે, આગામી યોજાનાર સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ ની જાહેરાત (ઓનલાઇન પોર્ટલ લોન્ચ) કરીને રમતગમતને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લાના અંદાજે ૫૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ સાયકલ સ્પર્ધા લગભગ ૨૦ કિલોમીટરની હતી, જે જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ડોલારા એચપી પેટ્રોલ પંપ સુધી જઈને પુનઃ જિલ્લા સેવા સદનના ગેટ પર પૂર્ણ થઈ હતી. બીજી સ્પર્ધા ૫૦ કિલોમીટર લાંબી હતી, જે જિલ્લા સેવા સદનના ગેટ ખાતેથી પ્રારંભ થઈને ભેંસકાંતરીથી પુનઃ જિલ્લા સેવા સદના ગેટ ખાતે પૂર્ણ થઈ હતી.
નોંધનીય છે કે, સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડવા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેકટર ડૉ. વીપીન ગર્ગ સહિતના અધિકારીઓ પણ જોડાઈને જિલ્લાના યુવાનો, રમતવીરો નાગરિકોને પ્રેરક સંદેશ પાઠવ્યો હતો. સાંસદશ્રીએ, વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યો હતા.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફિસે ગુજરાત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, જિલ્લાના અગ્રણીઓ, સંગઠનના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

