ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં 200 જેટલાં બાળકોએ પ્રવેશ લીધો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં રાજ્યકક્ષાનાં વન અને પર્યાવરણમંત્રી મુકેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે ઓલપાડ તાલુકા આઝાદદિન કેળવણી મંડળનાં પ્રમુખ ધનસુખભાઈ પટેલ, સ્થાનિક કેળવણી મંડળનાં પ્રમુખ ભગવતીભાઈ પટેલ તેમજ હોદ્દેદારો, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણી, મદદનીશ વન સંરક્ષક એચ.સી. જાદવ, આમંત્રિત મહેમાનો, પ્રાથમિક શાળાનાં આચાર્યો, ગામનાં સરપંચ, તલાટી, ગ્રામજનો ઉપરાંત વાલીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે ધોરણ 1, ધોરણ 9 તેમજ ધોરણ 11 નાં આશરે 200 જેટલાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રતિક ભેટરૂપે પુસ્તકો, નોટબુકો તેમજ સ્કૂલબેગ આપવામાં આવી હતી. તદ્ઉપરાંત જ્ઞાનસાઘના, NMMS તેમજ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓ સાથે ફેસ ટુ ફેસ સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પોતાનું લક્ષ્ય શું છે ? તે પૂછી આગળની પ્રગતિ માટે તમામ મદદ કરવા માટે જણાવેલ હતું.
પ્રારંભે શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનું શબ્દો તથા પુસ્તકોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને અંતે આભારવિધિ શાળાનાં માધ્યમિક વિભાગનાં શિક્ષક જીતેન્દ્ર પટેલે કરી હતી. કાર્યક્રમ બાદ શાળાનાં મેદાનમાં મુકેભાઈ પટેલનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શિક્ષિકા શ્રીમતી ચિલ્કાબેનનાં માર્ગદર્શનથી ધોરણ 9 નાં વિદ્યાર્થીઓએ કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
