ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને બાળ અધિકાર સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કરતા આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર
——————
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.0૬. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં બાળ અધિકાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા અંગે બેઠક મળી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પોતાની કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
બેઠકમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રીએ કહ્યું કે, આજનું બાળક એ દેશનું ભવિષ્ય છે. બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા, બાળકો સાથે સંવેદશીલતા સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કરી ઉમેર્યું કે, બાળક એ ઈશ્વરનું નાનકડું રૂપ છે. બાળ અધિકારો માટે ટીમવર્કની ભાવના સાથે કાર્ય કરવા પર ભાર મૂકી તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને બાળકોના હિત અને અધિકારો ન છીનવાય તે દિશામાં વધુને વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોના અધિકારો માટે વધુમાં વધુ જનજાગૃતિ આવે તેવા કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું.
આયોગના સચિવશ્રી ડી.ડી.કાપડીયાએ બાળ સંરક્ષણ આયોગના કાર્યો, રચના, બાળકોના કાયદાઓની માહિતી આપી બાળકોની સુરક્ષા, વિકાસ અને પાર્ટીસીપેશન, સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં ડીવાયએસપીશ્રી નરવણે દ્વારા જે.જે.એકટ તથા પોકસો એકટ હેઠળ કરવામાં આવેલી કામગીરી રજૂ કરાઈ હતી. જિલ્લા બાળ અધિકારીએ ચિલ્ડ્રન હોમ્સ તથા ટ્રસ્ટ દ્વારા બાળકોના પુન:ર્વસનની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ બાળઆરોગ્ય, પ્રોગ્રામ ઓફિસરે બાલપોષણ તથા આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ, જિલ્લા શ્રમ આયુક્ત અધિકારીએ બાળમજૂરી હેઠળ કરવામાં આવેલી રેસ્ક્યુ અને પુન:સ્થાપનની કામગીરી રજૂ કરી હતી. જયારે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ બાળલગ્ન અટકાયતી પગલાઓ, જિલ્લા શિક્ષણાધિકારીએ રાઈટ ટુ એજયુકેશન એક્ટ, શાળાઓની વિગતો, ડ્રોપ આઉટ રેશિયો તથા તકેદારી અધિકારીએ આશ્રમશાળા, એકલવ્ય મોડેલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો વિશેની વિગતવાર માહિતી આપી હતી.
આયોગના અધ્યક્ષના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનારી શાળાઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
બેઠકમાં જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બગુલીયા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, ડીવાયએસપીશ્રી પી જી નરવણે તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મદદનીશ શ્રમ આયુકત, કે.જી.બી.વીના સંચાલિકાઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર કચેરીમાં યોજાયેલી આ બેઠક બાદ આયોગના અધિકારીઓ દ્વારા વિવિધ સંસ્થાઓ-એનજીઓ તથા અગ્રણીઓ આ બાબતે અન્ય મિટિંગ સર્કિટ હાઉસ ખાતે આયોજિત કરી હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોના કલ્યાણ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ, પોક્સો કેસોના ભોગ બનેલા બાળકોને સહાય પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ, બાળમજૂરી નિવારણ માટેના પ્રયાસો તથા વ્યસનમુક્તિ માટેની કામગીરી જેવી બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. બીજા તબક્કાની બેઠક બાદ અધિકારીઓએ વ્યારા માં આવેલા ચિલ્ડ્રન હોમ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.