મરઘા પાલન વિષય ઉપર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા દ્વારા ઓનલાઇન તાલીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉન ૪.૦ નું અમલીકરણ કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ગ્રામિણ મરઘાપાલકોને પોતાના ઘર બેઠા વૈજ્ઞાનિક ઢબે મરઘાપાલન ઉછેર વિશે માહિતી મળી રહે તે હેતુસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર તાલીમમાં વ્યારા, વાલોડ અને સોનગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા કુલ ૮૮ મરઘાપાલકોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત કરતા કેવિકેના વડા ડૉ. સી. ડી. પંડયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી કામગીરીની માહિતી આપી હતી. વધુમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે જારી કરેલ ટોલ ફ્રી નંબર તથા ‘કિસાનરથ’ અને ‘આરોગ્યસેતુ’ એપ્લીકેશનની અગત્યતા તથા તેનો મહત્તમ ઉપયોગ કરવાની હાંકલ કરી હતી. પશુવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. જે. બી. બુટાણીએ મરઘાપાલકોને આવનારા ભવિષ્યમાં મરઘાપાલન થકી એક વધારાની આવક ઉત્પન્ન કરવા આહવાન કર્યું હતું. ડૉ. વિશાલ રાઠોડ, પશુચિકિત્સક, ઘનિષ્ઠ મરઘા ઘટક યોજના, સુરત દ્વારા મરઘાપાલકોને મરઘાપાલન માટે પ્રોત્સાહિત કરતી રાજ્ય સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. વધુમાં ડૉ. રાઠોડએ વૈજ્ઞાનિક ઢબે મરઘાપાલન કરવા માટેના વિવિધ તબક્કાઓ જેવાં કે ખોરાક, રહેઠાણ, પાણી, રસીકરણ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. તદઉપરાંત, મરઘા ઉછેરથી માંડી તેના બજાર વ્યવસ્થાપન દરમિયાન રાખવામાં આવતી તકેદારીઓ વિશે પણ મરઘાપાલકોને માહિતગાર કર્યા હતા. તાલીમના અંતે પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદર તાલીમનું સઘળુ સંચાલન રીલાયન્સ ફાઉન્ડેશનના કર્મચારી શ્રી રેનીશ ભરૂચવાલા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.