પ્રધાનમંત્રી જનસુરક્ષા અને જીવનજ્યોતિ વીમા યોજના અંતર્ગત સ્વ. આકૂબભાઈ ગામીતના પરિવારને રૂ. 4 લાખની આર્થિક સહાય
પરિવારજનોએ કહ્યું, સ્વ. આકુબની જાગૃતતા અને સરકારી યોજનાની જાણકારીના કારણે અમને રૂ. 4 લાખનો આર્થિક ટેકો મળ્યો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 14 :- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMJSBY) જેવી જીવન વીમા યોજના અંતર્ગત પૉલિસીધારકના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવાજનોને વીમાની રકમ આપવામાં આવે છે. તા. 14 મે, 2025 ના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં યોજાયેલી BLBC બેઠક દરમિયાન આવા જ એક વીમા ધારક સ્વ. આકૂબભાઈ સાકીયાભાઈ ગામીતના મૃત્યના કિસ્સામાં તેમના પરિવારને વર્ચ્યુઅલ માધ્યમથી ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. જેમાં વીમા ધારકના પરિવારને કુલ રૂ. 4 લાખની રકમ મળી હતી.
માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન પામેલા સ્વ. આકૂબભાઈ સાકીયાભાઈ ગામીત, (લવચાલી ગામ) વીમા યોજનાઓમાં જોડાયેલા હતા. તેમની પત્ની શ્રીમતી સંગીતાબેન ગામીતને રૂ. 2 લાખ PMJJBY અને રૂ. 2 લાખ PMJSBY અંતર્ગત કુલ રૂ. 4 લાખની વીમા સહાય રકમ જમા કરાવવામાં આવી છે. આ વિતરણ સોનગઢ ખાતે BLBC મિટિંગ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી શ્રી ભૂપેન્દ્ર રાઠોડ તથા રિઝર્વ બેંકના પ્રતિનિધિ શ્રી નીતિન ડોલરેના હસ્તે કરવામાં આવ્યું હતું.
તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠોડે જણાવ્યું હતું કે, 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકે આ લાભદાયી યોજના સાથે જોડાવું જોઈએ જેથી કોઇ આકસ્મિક દુર્ઘટનાની પરિસ્થિતિમાં પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે. શ્રી નીતિન ડોલરે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે, જનસુરક્ષા યોજના હેઠળનું વીમા પ્રીમિયમ 26 થી 31 મે દરમિયાન ખાતાથી ઓટો ડેબિટ થતું હોય છે, તેથી ખાતામાં પૂરતું બેલેન્સ જાળવવું અત્યંત જરૂરી છે. લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ તમામ બેંક પ્રતિનિધિઓને આ યોજનાના વધુ પ્રચાર માટે અનુરોધ કર્યો હતો જેથી વધુ નાગરિકો તેનો લાભ લઈ શકે.
આ પ્રસંગે નાબાર્ડના DDM શ્રી ઉત્કર્ષ દેશમુખે મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને રોજગારી પ્રદાન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અવસાન પામેલા સ્વ. ગામીતનુ બચત ખાતુ સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક, સોનગઢ શાખામાં હતું. બેંક મેનેજર શ્રી સત્યેન પટેલે પરિવારને વીમા ક્લેમ અંગે સમયસર માર્ગદર્શન આપીને ઝડપથી ક્લેમ પ્રોસેસ કરવામાં મદદરૂપ થયા હતા.
મૃતકના પરિવારજનોએ સરકારશ્રી તથા બેંકના અધિકારીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આવી યોજનાઓ સઘન સહાયરૂપ બની શકે છે અને દરેક નાગરિકે આવા વીમા પ્રીમિયમ નિયમિત રીતે ભરવા જોઈએ જેથી પરિવારને આર્થિક સુરક્ષા મળી રહે. આજે આકૂબભાઈ પાછા નહીં આવી શકે, પરંતુ તેઓની જાગૃતતા અને સરકારી યોજનાની જાણકારીને લીધે આજે અમને સરકારની આવી કલ્યાણકારી વીમા યોજના થકી રૂ. 4 લાખનો આર્થિક ટેકો મળ્યો છે.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ભૂપેન્દ્ર રાઠોડ, રિઝર્વ બેંકના શ્રી નીતિન ડોલરે, બેંક મેનેજર શ્રી સત્યેન પટેલ, લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવા, DDM નાબાર્ડ શ્રી ઉત્કર્ષ દેશમુખ, CFL સેન્ટરના શ્રી અજિત ડોડિયા, FLCCના શ્રી અનિલ ગામીત તથા વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
