કર્ણાટકનાં બેંગલુરુ ખાતે ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક યોજાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક કર્ણાટકનાં બેંગલુરુ સ્થિત શિક્ષક ભવન ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી રાષ્ટ્રીય કારોબારીનાં હોદ્દેદારો સહિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા રાજ્ય સંઘનાં અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન (AIPTF) નાં નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ બશ્વરાજ ગૌરીકરજીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં પ્રારંભે વિવિધ રાજ્યોમાંથી પધારેલ રાષ્ટ્રીય કારોબારીનાં હોદ્દેદારોનું સ્થાનિક પ્રણાલી મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સદર બેઠકમાં ઉપસ્થિત રહેલ ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનનાં કાઉન્સિલર એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે ગત બેઠકનાં એજન્ડાની સમીક્ષા બાદ વિવિધ રાજ્યોએ રજૂ કરેલ અલગ અલગ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત ફિક્સ પગાર અને કરાર આધારિત શિક્ષકોની ભરતી દેશમાંથી નાબૂદ કરવા બાબત, સમગ્ર દેશમાં OPS લાગુ કરવા માટે વિવિધ પ્રકારનાં આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવા બાબત, દરેક રાજ્યનાં બજેટમાં સૌથી વધુ શિક્ષણ માટે રકમ ફાળવવા બાબત, NEP 2020 નાં અમલીકરણમાં આપણને નડતા પ્રશ્નો દૂર કરાવવા બાબત, સમગ્ર દેશમાં ડ્રોપ આઉટ રેશિયો સરકારની નીતિઓનાં કારણે વધી રહ્યો છે તેનાં નિરાકરણ બાબત, કેટલાંક રાજ્યોમાં બાળમજૂરીનાં કારણે બાળકો શિક્ષણથી વંચિત રહે છે જેનાં માટે અલગથી કાર્યક્રમ ચલાવવા બાબત, દિલ્હી ખાતેનાં શિક્ષક ભવનનાં નવીનીકરણ બાબત તથા સમગ્ર દેશમાં સરકાર દ્વારા શિક્ષણનાં ખાનગીકરણનાં વિરોધ કાર્યક્રમ બાબતની વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ બશ્વરાજ ગૌરીકરજીએ સમગ્ર દેશનાં શિક્ષણમાં સુધારો થાય અને સાથોસાથ શિક્ષકોને મળવાપાત્ર લાભો આપણે અપાવી શકીએ એ બાબતે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી તમામ રાજ્યોનાં હોદ્દેદારોને એક થઈ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આ તકે NPS નાં બદલે સરકાર દ્વારા UPS લાગુ કરવામાં આવેલ છે જેનાં સંશોધન બાબતની કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાથે જ બિન શૈક્ષણિક કામગીરીઓનાં કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જે બાબતે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકનાં અંતિમ ચરણમાં ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનનું આગામી રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં સૌ AIPTFને મજબૂત કરી દેશનાં તમામ રાજ્યોને સાથે લઈ શિક્ષકોનાં પ્રશ્નો ઝડપથી હલ થાય તે માટે કટિબદ્ધ થયા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *