આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ સુરત દ્વારા ઉલ્લાસભેર રામ જન્મોત્સવ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભગવાન શ્રી રામનાં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ, સુરત દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર શોભાયાત્રા કનાજ ગામનાં બળિયાદેવ મંદિરેથી નીકળી શેરડી, કોસમ, કરમલા ગામથી આગળ અટોદરા ક્રિષ્ના રેસીડેન્સી પહોંચી હતી. અત્રે લઘુ વિરામ બાદ શોભાયાત્રાએ સાયણ ફાંટા થઈ ઓલપાડમાં નગરચર્યા કરી હતી. શોભાયાત્રામાં બાળકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં સ્ત્રી-પુરૂષો ઉલ્લાસભેર જોડાયા હતાં.
શોભાયાત્રાનાં આયોજક એવાં અજય કલાલ, પરેશ રાઠોડ, હર્ષદ ગોરાણી, મિતેશ સોની, પવન નેલકર, દેવા વકારે તથા વિનાયક વાનખેડેએ સમગ્ર રૂટ પર ખડેપગે રહી ઉજવણીને નિર્વિધ્ને પાર પાડી હતી. શોભાયાત્રા દરમિયાન તેનો સમગ્ર રૂટ રામમય બનવા પામ્યો હતો. ભગવાધારી આબાલવૃધ્ધો સંગીતમય રામધૂનમાં લીન બની ખૂબ ઝૂમ્યા હતાં. અંતમાં આયોજકોએ તમામ રામભક્તો સહિત બંદોબસ્તમાં જોડાયેલ ઓલપાડ પોલીસ સ્ટેશનનાં સ્ટાફગણનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.