કામરેજની પીએમશ્રી વાવ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની પીએમશ્રી વાવ પ્રાથમિક શાળામાં ધોરણ-૮નાં વિદ્યાર્થીઓનાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ હર્ષદભાઈ ઢોડિયા, ગામનાં સરપંચ બાલુભાઈ, ઉપસરપંચ જ્યોત્સનાબેન, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ ભાવેશભાઈ વાણિયા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય પ્રજ્ઞાબેન પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી શાળાનો શૈક્ષણિક ચિતાર રજૂ કર્યો હતો. શાળા પરિવારે વિદાય લેતાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભાશિષ પાઠવ્યા હતાં. આ તકે વિદ્યાર્થીની દિયા બગડા તથા પલ્લવી પાટીલે શાળા સમય દરમિયાનનાં સંસ્મરણો વાગોળ્યા હતાં.
વિશેષમાં કાર્યક્રમ અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. ધોરણ 8 નાં તમામ વિદ્યાર્થીઓને તેમનાં વર્ગ શિક્ષક લતાબેને સ્મૃતિરૂપે લંચબોક્સ ભેટ આપ્યા હતાં. તદ્ઉપરાંત શાળાનાં સાયન્સ ટીચર દિવ્યાબેન તરફથી ઈનામ તથા સરપંચ બાલુભાઈ તરફથી રોકડ રૂપિયા 5000 ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયા હતાં. આ સાથે ઉપસ્થિત મહેમાનોનાં વરદ હસ્તે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ, બેસ્ટ મંત્રી અંગેની કામગીરીનો એવોર્ડ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન કામ કરનાર સમગ્ર મંત્રી મંડળનું પ્રોત્સાહિત ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાનાં આચાર્યએ કાર્યક્રમમાં સહભાગી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષિકા ડૉ. અલ્પા ગૌસ્વામીએ કર્યુ હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.