ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા મદદનીશ કેળવણી નિરીક્ષક વિજય જરગલિયાનો આવકાર સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓલપાડ તાલુકામાં બીટ-૧ માં બઢતી સાથે મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે નિયુક્તિ પામેલ માંગરોલની હથુરણ પ્રાથમિક શાળાનાં આચાર્ય વિજય મનસુખભાઈ જરગલિયાનો આવકાર સાથે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ પરેશ પટેલ, ચિરાગ પટેલ મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલ સહિત કેન્દ્રાચાર્ય તથા સી.આર.સી. મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર આવકાર સમારંભ પ્રસંગે ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા વિજયભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી સત્કારવામાં આવ્યાં હતાં. આ તકે ઉપસ્થિત મહાનુભવોએ પોતપોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં વિજયભાઈનાં સૌમ્ય સ્વભાવ, વહીવટી કુશળતા, હકારાત્મકતા તથા વિકાસશીલ અભિગમની સરાહના કરી હતી. શિક્ષકોનાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ જણાવ્યું હતું કે શૈક્ષણિક તથા વહીવટી ક્ષેત્રે ઓલપાડ તાલુકો હરહંમેશ અગ્રેસર રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ કાર્ય પધ્ધતિ યથાવત રહે એ ઈચ્છનીય છે.
આ તકે નવનિયુક્ત મદદનીશ કેળવણી નિરીક્ષક વિજયભાઈ જરગલિયાએ પોતાનાં પ્રતિભાવમાં શિક્ષકગણ, સંગઠન સહિત તાલુકા પંચાયત કર્મચારીગણ સાથે સંકલન ભાવના સાથે બાળકો તથા શિક્ષકોનાં હિતમાં અપેક્ષિત કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે પોતાનાં સત્કાર બદલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં આભારવિધિ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલે આટોપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ અને ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળાનાં આચાર્ય રાજેશ પટેલ કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.