બીઆરસી ઓલપાડ આયોજીત ધો. 6 થી 8 નાં ગણિત અને વિજ્ઞાન વિષયની તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગણિત-વિજ્ઞાનનું સૈધ્ધાંતિક જ્ઞાન સરળ બને અને તે સાથે શિક્ષણકાર્ય રોચક બને એવાં શુભ હેતુસર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ધોરણ 6 થી 8 નાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષકો માટે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા દ્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
સદર તાલીમ વર્ગમાં તજજ્ઞો દ્વારા વર્ગખંડમાં બાળકો ગણિત અને વિજ્ઞાન વિષયનાં કઠિન બિંદુઓને સરળ અને સહજ રીતે સમજી શકે તે અંગે પ્રવૃત્તિમય અને ટેકનોલોજીયુક્ત માહિતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત સૌ તાલીમાર્થીઓને એકબીજાનાં વિચારોનું આદાનપ્રદાન કરી પોતાનાં શિક્ષણકાર્યમાં નાવીન્યપૂર્ણ અભિગમ કેળવવા અનુરોધ કર્યો હતો. તાલીમ વર્ગમાં તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રિ-ટેસ્ટ તથા પોસ્ટ ટેસ્ટ પણ લેવામાં આવી હતી. ગણિત વિષય તાલીમ વર્ગનાં સંચાલક તરીકે માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણી જ્યારે વિજ્ઞાન વિષય તાલીમ વર્ગનાં સંચાલક તરીકે રાજનગરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલે સેવા બજાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.