કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ટેરેસ ગાર્ડનીંગ વિષય ઉપર ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજના આધુનિક યુગમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતાં ઉપયોગના કારણે બજારમાં મળતા મોટાભાગના ફળ અને શાકભાજીમાં તેના અવશેષો રહી જાય છે . જે ખાવાથી પશુપક્ષી તેમજ માનવ શરીરની તંદુરસ્તી ઉપર લાંબે ગાળે વિપરીત અસર થાય છે અને અસ્થમા , કેન્સર , ડાયાબીટીસ તેમજ અપંગતા જેવા અનેક રોગોનું કારણ બને છે . આગામી પરિસ્થિતિમાં જ્યારે સમગ્ર દુનિયાના દેશો કોવિડ -૧૯ ની મહામારી સામે ઝઝુમી રહયા છે ત્યારે ટેરેસ ગાર્ડનીંગમાં આવતી મુશ્કેલીઓના નિવારણ તથા ટેરેસ ગાર્ડનીંગ દ્વારા ઘરે જ શુધ્ધ અને તાજું શાકભાજી મેળવી શકાય એ હેતુસર તાપી જિલ્લામાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા તાજેતરમાં તા . ૧૩ / ૦૫ / ૨૦૨૦ ના રોજ રીલાયન્સ ફાઉન્ડેશન તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ ( નવસારી વિભાગ ) ના સહકાર થકી ટેરેસ ગાર્ડનીંગ વિષય ઉપર ડાયલઆઉટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું .
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ . સી . ડી . પંડયા , બાગાયત વૈજ્ઞાનિક ડૉ . ધર્મિષ્ઠા પટેલ , પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડૉ . એસ . એમ . ચવ્હાણ તેમજ કલ્યાણીબેન પંડયા રાષ્ટ્ર સેવિકા સમિતિ – વ્યારા , તાપી જિલ્લા કાર્યવાહીકા , નવસારી વિભાગ જોડાયા હતા . આ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શહેરી વિસ્તારની કુલ ૧૭૯ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .
તાલીમ કાર્યક્રમની કમાન રીલાયન્સ ફાઉન્ડેશનના રેનિશભાઇ ભરૂચવાલાએ સંભાળી હતી . કાર્યક્રમની શરૂઆતમાં કલ્યાણીબેન પંડયાએ શબ્દોથી સ્વાગત પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ બહેનોને ઘરે જ રસાયણમુક્ત શુધ્ધ અને તાજું શાકભાજી મળી રહે તે માટે ટેરેસ ગાર્ડનીંગ કરવા ઉપર ભાર મૂક્યો હતો . કેન્દ્રના વડાશ્રી ડૉ . સી . ડી . પંડયાએ કોવિડ -૧૯ ની ગંભીરતા વિશે જણાવ્યા બાદ ટેરેસ ગાર્ડનીંગનું મહત્વ સમજાવતાં શાકભાજી અને ફળપાકોમાં વધુ પડતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે માનવ સ્વાથ્ય ઉપર થતી માઠી અસર વિશે જણાવ્યું હતું .
ડૉ . ધર્મિષ્ઠા પટેલ , બાગાયત વૈજ્ઞાનિક દ્વારા ટેરેસ ગાર્ડનમાં ઋતુ પ્રમાણે થતાં જુદાં – જુદાં પ્રકારના શાકભાજીનું વાવેતર , ઉપયોગમાં લેવાતા કુંડા , પોલી બેગ , અન્ય ટુલ્સ , જુદા – જુદા પ્રકારના મીડીયા , મીડીયા પ્રિપેરેશન , ધરૂ તૈયાર કરવાની રીત અને ટેરેસ ગાર્ડનીંગના ફાયદાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી . આ સાથે વધુ પડતાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાયુક્ત શાકભાજી અને ફળ ખાવાથી માનવ જીવન પર થતી આડ અસર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જૈવિક અને સેન્દ્રિય ખાતરોનાં ઉપયોગ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો . ડૉ . એસ . એમ . ચવ્હાણ , પાક સંરક્ષણ વૈજ્ઞાનિક દ્વારા તાલીમાર્થીઓને જુદા – જુદા પાકમાં રોગ – જીવાત નિયંત્રણ અંગેની માહિતી આપવામાં આવી હતી . તેમજ બાયોપેસ્ટીસાઇડ , જુદા – જુદા પ્રકારની ટેપ અને જીવાત નિયંત્રણ માટે ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું હતું . કાર્યક્રમના અંતમાં તાલીમાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું . ભવિષ્યમાં તાલીમાર્થી બહેનોના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ ઘર બેઠા થાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા રીલાયન્સ ફાઉન્ડેશનના સહકારથી પ્રયત્નશીલ છે .