અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની વિધાનસભાની સમિતીના સભ્યો ઉકાઈ ડેમ ખાતે અભ્યાસ મુલાકાતે પધાર્યા
સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવીના અધ્યક્ષતામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના ૧૫ સભ્યો અભ્યાસ માટે તાપી જીલ્લાના પ્રવાસે પધાર્યા
ચાંપાવાડી અને ભીંમપુરાની યોજના દ્વારા ૨૨ હજાર એકર જમીન અને ૫૭૦૦ કુટુંબોને સિંચાઈનો લાભ મળશે.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૦૯. ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીના ૧૫ સભ્યો ગતરોજ તાપી જિલ્લાના ઉકાઈ ડેમ તથા સોનગઢ-ઉચ્છલ પાઈપલાઈન પ્રોજેક્ટના અભ્યાસ મુલાકાતે પધાર્યા હતા. આ સમિતિના સભ્યો તા.૭ થી ૧૦ જાન્યુઆરી સુધી વિવિધ જીલ્લાની જલ આધારિત યોજનાઓના અભ્યાસ અર્થે મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત તાપી જીલ્લામાં તા.૯ જાન્યુઆરીના રોજ ઉકાઈ ડેમ ખાતે નિરીક્ષણ કર્યું હતું.
૧૫મી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં ૧૧ જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવીની સાથે કુલ ૬ સભ્યો પૈકી દાંતાના ધારાસભ્યશ્રી કાન્તિભાઈ ખરાડી, દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, નિઝરના ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત અને છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા. તેઓની અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં ઉકાઈના ભીમપુરા ખાતે પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ઉકાઇ જળાશયના ભીમપુરા ગામે પ્રથમ પંમ્પીંગ સ્ટેશન બનાવી ૨૫૯.૩૮ ક્યુસેક્સ પાણી ૦૮ પંપ દ્વારા ૧૦ કિ.મી. લાંબી પાઇપલાઇન મારફતે ચાંપાવાડી ગામના તળાવ સુધી પાણી પહોંચાડવામાં આવનાર આયોજન અંગે સમિતિના સભ્યોએ માહિતી મેળવી હતી. ત્યારબાદ આ તમામ સભ્યો દ્વારા અન્ય પમ્પીંગ સ્ટેશન ચાંપવાડીની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ૧૪૯.૯૫ ક્યુસેક્સ પાણી ૦૫ પંપો દ્વારા ૨૧.૫૧ કિ.મી. લાંબી પાઈપલાઈન મારફતે પાણી આપવાના આયોજન અંગે વિગતે તાગ મેળવ્યો હતો.
આ પાઈપલાઈનની પથ રેખામાં આવતા ૧૪૬ હયાત ચેકડેમો ભરવામાં આવશે. ઉપરાંત રૂ. ૩.૮૫ કરોડના બીજા નવા ૫ મોટા ચેકડેમો પણ બાંધવાનું આયોજન છે. આ યોજનાથી તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ૫૪ ગામો જે સિંચાઈ સુવિધાથી વંચિત છે તેમને સિંચાઈ સુવિધાઓ પુરી પાડવમાં આવશે. લગભગ ૨૨ હજાર એકર જમીન અને ૫૭૦૦ કુટુંબોને સિંચાઈનો લાભ મળશે.
મુલાકાતના અંતિમ પડાવમાં તમામ સભ્યો ઉકાઈ ડેમ અને હાઈડ્રો પાવર સ્ટેશનની મુલાકાત કરી હતી. જ્યાં ઈજનેરો પાસેથી ડેમના બાંધકામ, પાણીનો જથ્થો અને કેટલા વિસ્તારમાં સિંચાઈ-પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે તે સહિતની સમગ્રતયા વિગતો મેળવી હતી. અહીં ધારાસભ્યશ્રી અભેસિંહભાઈએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને યાદ કરી તેઓના નેતૃત્વમાં ગુજરાતની જીવાદોરી સમાન મહત્વાકાંક્ષી યોજનાઓ સાકાર થતી જોવાનો અવસર મળ્યો હોવાનું જણાવ્યું હતું. જેના થકી આજે લાખો હેક્ટરમાં સિંચાઈ અને લાખો લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. જે સૌ ગુજરાતીઓ માટે સદભાગ્યની વાત હોવાનું તેઓએ કહ્યું હતું.
જીએસઈસીએલના ઈજનેર શ્રી એન.આર. ચૌધરીએ પાવર સ્ટેશન પર થઈ રહેલા વીજ ઉત્પાદન અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે વીજળીની થતી વહેંચણી અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. સાથો સાથ વીજ ઉત્પાદન બાદ તેનું કંન્ટ્રોલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન અંગેની સિસ્ટમ તથા પાવર હાઉસ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી. ઉકાઈ વિભાગ નં.૧ ના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.એન. ચૌધરીએ સમગ્ર પ્રોજેક્ટ અને તેનાથી થતી સિંચાઈ તથા પીવાના પાણીની જમણા તથા ડાબા કાંઠા નહેર અંગેની વિગતો આપી હતી.
આ પ્રોજેક્ટમાંથી ખેડૂતોને પાણીનો મહત્તમ લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવા તેમજ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ તેમાં ખૂટતી કડીઓને પૂરવા તથા સમિતિ દ્વારા રાજ્ય સરકારમાં આ અંગેનો અહેવાલ પ્રસ્તુત કરી સ્થાનિક ખેડૂતોને પણ તેનો લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરવા અંગે આશ્વાસન આપ્યું હતું. આમ, સમિતિના સભ્યોની આ અભ્યાસ મુલાકાત ખુબજ સફળ અને પરિણામલક્ષી રહી હતી.
0000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.