પંચસ્તરીય ખેતીને પ્રોત્સાહન આપતાં નિશાણા ગામના નટવરભાઈ
નટવરભાઈ પ્રાકૃતિક ખેતીમાં જોડાતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, આવક અને વેચાણમાં વધારો
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “તમારું નામ શું છે? એ જરૂરી નથી.. તમારી ઓળખ તમારા કામથી હોવી જોઈએ” જે સાબિત કરતા નિશાણા ગામના નટવર ભાઈ ગામીત… સોનગઢ તાલુકાના કીકાકુઇ ગામથી અંદરના રસ્તે જઈએ એટલે એક દમ લીસ્સા સર્પાકાર રોડ ખેતરોની વચ્ચેથી પસાર થઈને નિશાણા ગામ તરફ જવાય. પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રધાન્યને આપતા નટુભાઈ એજ ગામના…
નિશાણા ગામમાં જઈને બાળકોને પણ પૂછવામાં આવે તો તે પણ કહેશે કે જમણી બાજુ મોટા મોટા સરગવાના છોડ આવશે તે ખેતર એમનું. ખેતરના ખૂણે એક સરસ મજાનું બોર્ડ, જેમાં લખ્યું હતું કે, નટવરભાઈ હોમજીભાઈ ગામીત વર્ષ ૨૦૨૦ થી પ્રાકૃતિક ખેતી કરે છે.
નટવરભાઈ પંચ સ્તરીય બાગાયતી ખાદ્ય જંગલ મોડેલ પ્રકારની મિશ્ર ખેતી કરે છે. એમના ખેતરમાં તેમણે ૧૫૦ આંબા, ૨૨૦ સરગવા, ૪૦ લીંબુડી, ૪૦ જમરૂખ, ૧ નારીયેલ, ૬ ફણસ, ૨ કમરક તેમજ ઘરે ઉપયોગ લેવા માટેની શાકભાજી તેમજ અન્ય પાકો એક સાથે રોપેલા છે. પ્રાકૃતિક ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત બનેલા નટવરભાઈની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તનો આવ્યાં છે. તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીથી માત્ર જમીનની ફળદ્રુપતામાં જ નહીં, ઉત્પાદન, આવક અને વેચાણમાં પણ વધારો થાય છે.
પંચ સ્તરીય ખેતી પ્રાકૃતિક ખેતીની શ્રેષ્ઠ ખેતી પદ્ધતિ છે. તેઓએ પોતાના ખેતરમાં અત્યારે સરગવો રોપેલો છે. પોતાની જમીનમાં પાંચ આયામ બીજામૃત, જીવામૃત- પ્રવાહી- ઘન, આચ્છાદાન, વાપસા આ તમામ આયામનો પ્રયોગ કર્યો છે. આ ખેતી કરીને તેઓ વર્ષે-દહાડે ૨ લાખ રૂપિયા જેટલી આવક મેળવે છે.
એક સફળ અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતના બધા લક્ષણો તેમનામાં છે. એક એક કામ તેઓ સમજીને ચીવટપૂર્વક કરે છે અને આપણને પણ સમજાવે છે. તેઓ આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનર તરીકે પણ સેવા આપે છે. નટવરભાઈએ માધ્યમો સાથેના સંવાદમાં અંતે ઉમેર્યું કે, મેં પ્રાકૃતિક ખેતી માટે તમામ પ્રકારની તાલીમ, પ્રાકૃતિક ખેતી માટે ઝીણવટપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને જીવ રેડીને પ્રાકૃતિક ખેતીમાં સફળ થયા છે.
૬૧ વર્ષની ઉંમરે આટલો તરવરાટ જોઈને આપણને આવા ખેડૂતો પર ગર્વની લાગણી થાય. પ્રાકૃતિક ખેતીને સરકાર વિશેષ પ્રાધાન્ય આપી રહ્યું છે. ત્યારે સોનગઢના નટવરભાઈ પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને પોતે તો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, પરંતુ તેઓ અન્યને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.