ભાદોલ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકા ઉર્મિલા પટેલનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભાદોલ પ્રાથમિક શાળામાં છેલ્લાં 39 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં શિક્ષિકા શ્રીમતી ઉર્મિલાબેન ડાહ્યાભાઈ પટેલ વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
સાયણ સુગર ફેક્ટરીનાં ઉપપ્રમુખ મનુભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારંભમાં વડોલીનાં કેન્દ્વાચાર્ય પરેશ પટેલ તથા વડોલી કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો, નિવૃત્ત સી.આર.સી. કો-ઓર્ડિનેટર શીવાભાઈ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. વડોલી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક ભરત સોલંકીએ સૌને શાબ્દિક આવકાર આપી ઉર્મિલાબેનનાં ફરજકાળની લીલીસૂકી વર્ણવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા તથા જિલ્લા કક્ષાએ રોશન કરવામાં ઉર્મિલાબેનનો સિંહ ફાળો રહ્યો છે. શાળાનાં બાળકોનાં ઉપચારાત્મક કાર્ય, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવાં વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતાં હતાં. પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી 39 વર્ષ સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું.
સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવાં આ શિક્ષિકાનાં વિદાય પ્રસંગે શાળા પરિવારે ઉર્મિલાબેનને શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી ભારે હૃદયે વિદાય આપી હતી. સમારંભનાં અધ્યક્ષ મનુભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં ઉર્મિલાબેનની ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતા તેમજ વહીવટી કુશળતાને બિરદાવી હતી. આ સાથે શાળાનાં બાળકોએ પણ પોતાનાં પ્રતિભાવો રજૂ કરી વિદાય લઈ રહેલાં શિક્ષિકા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અંતમાં શાળાનાં ઉપશિક્ષિકા ભારતીબેન પટેલે પોતાનાં વક્તવ્યમાં ચેતનાબેન સાથેનો કાર્યકાળ વાગોળી તેમનાં સુખમય જીવન માટે શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા પાઠવી આભારવિધિ આટોપી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.