કેવિકે વ્યારા દ્વારા લોકડાઉનમાં ઓનલાઈન ડાયલ – આઉટ કોન્ફરન્સ થી ખેડૂત શિબિર યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલના , કોરોનાના કહેરને આખી દુનિયાને હચમચાવી નાખી છે . ભારતમાં કોરોનાના કેસનો આંક દરરોજ વધતો જાય છે . સમગ્ર દેશ લોકડાઉનમાં છે . ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , તાપી જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે વ્યારા ખાતે કાર્યરત છે . શેરડીની ખેતી કરનાર ખેડૂતો કેન્દ્ર ખાતે માર્ગદર્શન મેળવવા રૂબરૂ આવી ન શકે તે માટે તેઓને ઘરે બેઠાં કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને શેરડીની ખેતી અંગે જરૂરી ઓનલાઈન માહિતી આપવા માટે શેરડીમાં સંકલિત રોગ – જીવાત વ્યવસ્થાપન ‘ વિષય ઉપર ખેડૂત શિબિરનું આયોજન તા . ૦૪ / ૦૫ / ૨૦ ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન ના સહયોગથી ડાયલ – આઉટ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું . જેમાં તાપી જિલ્લાના કુલ ૧૨૦ ખેડૂતોએ ઉમંગભેર ભાગ લીધો હતો . સૌ પ્રથમ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ . સી . ડી . પંડયાએ ખેડૂતોને ભારત સરકારે જાહેર કરેલા રાષ્ટ્રિય કૃષિ સલાહ તથા ખેડૂતો – વેપારીઓ વચ્ચે જોડાણ કરવા અંગે કૃષિ ચીજવસ્તુઓના સરળ પરિવહન માટે શરૂ કરવામાં આવેલ કિસાન રથ એપ વિશે સમજણ આપી હતી તેમજ કોરોના વાયરસથી બચવા અંગે જાગૃતિ કેળવવા માટે આરોગ્ય સેતુ એપ્લીકેશનનું મહત્વ સમજાવ્યું હતું .
સદર કાર્યક્રમમાં કેવિકેના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક , ડૉ . સચિન એમ . ચવ્હાણ દ્વારા શેરડીમાં નુકસાન કરનાર રોગ તેમજ જીવાતોની ઓળખ , તેનું જીવનચક્ર , તેના નુકસાનના પ્રકાર , રોગ – જીવાતોના વિકાસ માટે સાનુકૂળ પરિબળો વિષે માહિતગાર કર્યા હતા . સંકલિત વ્યવસ્થાપન પધ્ધતિ વિશેની પણ છણાવટ કરી હતી . સાથે સાથે વ્યવસ્થાપનનાં ભાગરૂપે શેરડીના કટકા દ્વારા માવજત , જૈવિક જંતુનાશકો ( ટ્રાયકોડર્મા , શુડોમોનાસ ) , જૈવિક કિટકોનું મહત્વ , ફેરોમોન ટ્રેપ , પ્રકાશ પિંજર ( લાઈટ ટ્રેપ ) ગોઠવવાની પદ્ધતિ વિશે અને છેલ્લે રાસાયણિક જંતુનાશકો વાપરવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી . રોગ – જીવાતોના ઉપદ્રવને ખેતરમાં આવતા અટકાવવા માટે શરૂઆતથી નિયંત્રણના પગલા હાથ ધરાવવા વિશે હાકલ કરી હતી . અંતમાં , કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ શેરડીની ખેતી સંબંધિત પોતાને મૂંઝવતા પ્રશ્નો રજૂ કરી વૈજ્ઞાનિક ડૉ . ચવ્હાણ દ્વારા નિરાકરણ મેળવ્યું હતું . શેરડીની વૈજ્ઞાનિક ખેતી વિશે વધુ માહિતી અને તાલીમ લેવા માટે કેવિકે વ્યારાનો સંપર્ક કરવાં ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *