સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તરીકે વરણી
સંગઠનને સમર્પિત એવાં બાહોશ લીડર કિરીટ પટેલની કાર્યદક્ષતાની રાજ્ય સંઘે નોંધ લેતાં તેમનાં પર અભિનંદનની વર્ષા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લા સહિત રાજ્યભરનાં પ્રાથમિક શિક્ષકોનાં પ્રશ્નો માટે હરહંમેશ પ્રયત્નશીલ અને કટિબદ્ધ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ જયંતિભાઈ પટેલને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા શિક્ષણ આલમમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કિરીટભાઈ પટેલે શિક્ષક તરીકે ત્યારબાદ ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર તરીકે ઉમદા ફરજ અદા કરી જિલ્લાભરમાં લોકચાહના મેળવી છે. તેમનાં માનસપટ પર સદા માટે વિદ્યાર્થી, શાળા તથા શિક્ષક હિત અંકિત થયેલ છે. તેમણે પોતાનાં હકારાત્મક અભિગમ થકી શૈક્ષણિક, સામાજિક તથા સહકારી ક્ષેત્રે અવિરત હરણફાળ ભરી છે. સંગઠનને સમર્પિત એવાં બાહોશ લીડર કિરીટભાઈ પટેલની કાર્યદક્ષતાની રાજ્ય કક્ષાએ નોંધ લેવાતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, પ્રફુલ પટેલ, ધીરુ પટેલ,અનિલ ચૌધરી સહિત જિલ્લા સંઘનાં તમામ હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ અને મંત્રીઓ ઉપરાંત શિક્ષક ભાઈ-બહેનોએ આનંદ અને ગૌરવ સહ અભિનંદન પાઠવ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.