ગિરિમથક સાપુતારાનાં રોજગારની દોર સરકારના હાથમાં.જો દિવાળી પહેલા મનોરંજન પ્રવૃત્તિઓ માટે યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો હૈયાહોળી જેવો ઘાટ સર્જાશે
રાજ્ય સરકાર મનોરંજન સહિત અન્ય એક્ટિવિટી પરથી પ્રતિબંધ નહીં હટાવે તો હોટલોમાં સ્ટાફનો પગાર કરવાનાં પણ ફાંફા પડી જશે
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં હાલમાં વરસાદને કારણે વાતાવરણ તો ખુશનુમામય બની ગયુ છે.પરંતુ રોજગાર ધંધાનું વાતાવરણ નીરસ બન્યુ છે. હવે દિવાળીને માત્ર 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મનોરંજન એક્ટિવિટી નહીં શરૂ થાય તો સ્થાનિકોની દિવાળી હૈયાહોળી જેવી થઈ જશે. બીજી તરફ જો સરકાર મનોરંજન સહિત અન્ય એક્ટિવિટી પરથી પ્રતિબંધ નહીં હટાવે તો હોટલોમાં સ્ટાફનો પગાર કરવાના પણ ફાંફાં પડી જશે. વિકાસના નામે સાપુતારાને સિમેન્ટ કોંક્રીટના જંગલમાં ફેરવી દેનારાના પાપે સ્થાનિક નવાગામના લોકો રોજગાર માટે તરસી રહ્યા છે. સાપુતારાના કાયમી ચીફ ઓફિસરની બદલી થયા બાદ સાપુતારાની હાલત તો ધણીધોરી વિનાની થઈ ગઈ છે.વિકાસના નામે સાપુતારાને જાણે ભ્રષ્ટાચારનો મેકઅપ કરી દેવાયો હોય એવું તૂટેલા રસ્તા, ઊભરાતી ગટરો, વિવિધ પોઇન્ટ્સની જાળવણીના અભાવ પરથી લાગે છે. સરકારો આવે ને જાય છે, એ સાથે વિકાસની ગતિ પણ ક્યારેક ફાસ્ટ તો ક્યારેક મંદ થાય છે.હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા એના 23 પૂર્ણ થતાં ગુજરાત સરકાર 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવી રહી છે. એ સારી વાત પણ છે.જેમાં વિકાસ થાય તો વાંધો ન હોવો જોઈએ. પરંતુ વિકાસની આડમાં માત્ર હથેળી પર ચાંદ બતાવાય એ તો કેમ ચાલે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે પ્રવાસન ઉદ્યોગમાં જે સફળતા મેળવી છે એનાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. નરેન્દ્ર મોદીએ પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ કર્યો તેને કારણે આજે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ગુજરાત ચમકી રહ્યું છે એવી ડાહીડમરી વાતો થાય છે ને એવા જુઠાણામાંથી બહાર આવવાની જરૂર છે. તાજેતરમાં સરકારી આંકડાએ એવું તારણ કાઢ્યું કે, આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય છે. વર્ષ 2003-04માં રાજ્યમાં માત્ર 61.65 લાખ પ્રવાસી આવતા હતા, જે 2022-23માં 14 કરોડને પાર થયા હતા. આમાં 22 લાખથી વધુ વિદેશી પ્રવાસીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં વર્ષ 2001-02માં પ્રવાસન વિભાગનું બજેટ માત્ર રૂ.12 કરોડ હતું, જે વધીને 2024-25માં રૂ.1620.06 કરોડ થયું છે. આંકડાની માયાજાળ તો સારી છે, પરંતુ આવો ખર્ચ વિકાસમાં દેખાય છે ખરો એ મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકાર પ્રવાસનને ખરેખર પ્રોત્સાહન આપવા માંગતી હોય તો આદિવાસીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ‘ગુજરાત હોમસ્ટે પોલિસી’ અમલમાં મૂકવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી સ્થાનિક લોકોને રોજગારીની તકો ઊભી થઈ છે એવી વાતો મિથ્યા છે. મોટા ઉપાડે મોન્સૂન, વિન્ટર અને સમર ફેસ્ટિવલો પાછળના તાયફા પણ શું કામના? ડાંગ જિલ્લામાં તો રસ્તાથી માંડીને દરેક કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ‘હવાઈ વિકાસ’ની પોલ ખૂલી જ જાય. હાલ દિવાળીના તહેવાર ટાણે સાપુતારામાં ધંધા-રોજગારની ગાડી પાટે ચઢે એવું ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી. સરકારે મનોરંજન એક્ટિવિટી પર પણ પ્રતિબંધ મૂકી દેતાં પ્રવાસીઓ પણ ઓછા થઈ ગયા છે. ત્યારે એક અઠવાડિયામાં હોટલોમાં પણ બુકિંગની ઇન્કવાયરી નહીં નીકળે તો સંચાલકોને સ્ટાફના રાખરખાવની મુશ્કેલી સર્જાઈ જશે. જેનો આખરી દોર તો સરકારના હાથમાં છે.ત્યારે રાજય સરકાર જાગે તે જરૂરી બની ગયુ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.