ગિરિમથક સાપુતારાનો હાઈમસ્ટ ટાવર બંધ, સ્ટ્રીટ લાઈટો બંધ, તેવામાં દિવાળીની રોશની અંગે અનેક સવાલો ઊભા
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગિરિમથક સાપુતારાનાં ન્યૂ શોપિંગ સેન્ટર પાસે આવેલો હાઈમસ્ટ ટાવર છેલ્લા ઘણા મહિનાથી બંધ પડેલો જોવા મળી રહ્યો છે. લાખો રૂપિયાનાં ખર્ચે બનેલો આ ટાવર માત્ર થોડા દિવસો જ ચાલુ રહ્યો અને ત્યારબાદ તેની કોઈ જાળવણી કરવામાં આવી નથી.અને શોભાનાં ગાઠીયા સમાન સાબિત થયો છે. જેમાં નજીકનાં દિવસોમાં દિવાળી આવી રહી છે. ત્યારે દિવાળીની રોશનીને લઈને વહીવટી તંત્રનાં અધિકારીઓ સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. હાલમાં નવરાત્રી ચાલી રહી છે. તેમજ દિવાળીનાં પર્વને થોડા દિવસ જ બાકી છે. તેવામાં સાપુતારામાં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. સાપુતારાના ચીફ ઓફિસરની જગ્યા જ્યારથી ખાલી પડેલ છે. ત્યારથી સાપુતારામાં અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. તેવામાં સ્ટ્રીટ લાઈટ બંધ છે જેના લીધે દિવાળીની રોશની થશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. આ બધી પરિસ્થિતિઓને જોતાં, સાપુતારાના તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી સુવિધાઓ બંધ પડી રહેવી અને મૂળભૂત સુવિધાઓ જેવી કે સ્ટ્રીટ લાઈટો બંધ રહેવી એ ગંભીર બાબત છે. ત્યારે હાઈમસ્ટ ટાવરને ફરીથી શરૂ કરવામાં આવે અને સાપુતારામાં દિવાળીની રોશની કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે. તેમજ સાપુતારાનું સૌંદર્ય વધશે અને પ્રવાસીઓને આકર્ષિત કરવામાં મદદ મળશે એવી આશા સેવાઈ રહી છે. જોકે રાજય સરકાર હવે દિવાળીની રોશનીમાં સાપુતારામાં ચીફ ઓફિસરની નિમણૂક કરીને સાપુતારાને અંધકારમાંથી મુક્ત કરી ફરી ઝળહળ કરવાનાં પ્રયાસ કરશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યુ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.