ગિરિમથક સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડતા સમસ્યાઓમાં વધારો : ગટર ઠેરઠેર ઉભરાતા રોગચાળાની ભીતી
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે ચીફ ઓફિસરની જગ્યા હાલમાં ખાલી પડેલ છે. ત્યારે ચીફ ઓફિસરની જગ્યા ના અભાવે સાપુતારામાં ઘણી ખરી સમસ્યાઓ ઉદભવી રહી હોય તેવું જોવા મળી રહ્યુ છે. ગિરિમથક સાપુતારામાં ઠેરઠેર ગટર ઉભરાતા ગંદકી જોવા મળી રહી છે.ત્યારે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધવા પામી છે.અત્યારે પ્રવાસીઓ દ્વારા પણ આ અંગે ફિટકાર વરસાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે થોડા સમય પૂર્વે કાયમી ચીફ ઓફીસરની નિમણુક થઈ હતી. અહી કાયમી ચીફ ઓફિસરની નિમણુક થતાની સાથે જ સાપુતારા સ્વચ્છ અને સુઘડ બન્યુ હતુ. પરંતુ આ કર્તવ્યનિષ્ઠ ચીફ ઓફિસરની બે મહિનામાં જ બદલી કરી દેવાતા ફરી સમસ્યાઓ ઉગ્ર બની છે. કાયમી ચીફ ઓફિસરની બદલી બાદ છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી જોવા મળી રહી છે. અને ઈન્ચાર્જ ચીફ ઓફિસરથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે.ત્યારે સાપુતારામાં ચીફ ઓફિસરની જગ્યાના અભાવે ઘણી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય તેવું જણાઈ રહ્યુ સાપુતારાનાં ન્યુ શોપિંગ સેન્ટર પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાતા ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે રોગચાળો ફાટવાની દહશત વર્તાઈ રહી છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં આવતી નથી.તેમજ ન્યુ શોપિંગ સેન્ટર પાસે ઘણી બધી રેસ્ટોરન્ટ આવેલ છે. ત્યારે સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓ અહીં રેસ્ટોરન્ટમાં જમવા માટે આવતા હોય છે. તેવામાં અહીં ગટરની દુર્ગંધથી પ્રવાસીઓ પણ વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.તેમજ ઉલ્લેખનીય છે કે, આ ગટર ઉભરાતા સાપુતારા ગટર વ્યવસ્થા બોર્ડને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેના કારણે ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ બાબતે ઘોર દુર્લક્ષતા સેવવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે અંધેરી નગરીનો ગંડુ રાજા, “ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવો ઘાટ અહી સર્જાયો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા સાપુતારા તરફ ખાસ ધ્યાન આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તો આ તમામ સમસ્યાનો નિરાકરણ થાય તેમ છે. ત્યારે રાજય સરકાર દ્વારા સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીમાં તાત્કાલિક ધોરણે કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.