સાપુતારા ફિલ્ટર સંપનું પાણી બહાર નીકળવાનાં પગલે રસ્તા ધોવાઈ રહ્યા છે, પાણી પુરવઠા વિભાગ નિંદ્રાધીન !

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગિરિમથક સાપુતારામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીનાં કારણે રોઝ ગાર્ડન પાસેનાં રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી વહેળાની જેમ પાણી રસ્તા ઉપર વહી રહ્યું છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે રસ્તા ઉખડી રહ્યા છે અને ખાડાઓ થઈ રહ્યા છે. તેમ છતાં પણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં રોઝ ગાર્ડન પાસે છેલ્લા ઘણા સમયથી વહેળાની જેમ પાણી રસ્તા ઉપર વહેતુ જોવા મળી રહ્યું છે. આ પાણી સતત પાણી પુરવઠા બોર્ડનાં ફિલ્ટર પ્લાન્ટ વિસ્તારમાંથી વહેતું હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. આ સ્થિતિને જોઈને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તંત્રની બેદરકારીથી નારાજ થઈ અનેક સવાલ ઉઠાવી રહ્યા છે કે આવી ગંભીર સ્થિતિમાં પણ તંત્ર શા માટે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યુ ? સતત વહેતા પાણીથી રસ્તો ધોવાઈને ખરાબ થઈ ગયો છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, આ સ્થિતિ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની છે. સાપુતારા પ્રવાસન માટે જાણીતું સ્થળ છે. પરંતુ પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે પ્રવાસન સ્થળની છાપ ખરડાઈ રહી છે. પાણી પુરવઠા વિભાગની આ બેદરકારી ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. વહીવટી તંત્ર પાણીનાં વ્યયને રોકવા માટે કેમ કોઈ પગલાં નથી લઈ રહ્યું ? શું રસ્તાની જાળવણી માટેની જવાબદારી તંત્રની નથી ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે આ સમગ્ર મામલામાં વહીવટી તંત્રનાં અધિકારીઓ દ્વારા રસ્તાનું સમારકામ કરાવવામાં આવે અને પાણીનો વ્યય અટકાવવામાં આવે તથા જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જોકે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ મામલે ગંભીરતા દાખવીને યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યું.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *