રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મનોરંજન સહિતની એક્ટિવિટી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા આવનાર દિવસોમાં ધંધાર્થીઓની દિવાળી બગડશે
ફક્ત ફેસ્ટિવલો પાછળ તાયફા કરવાથી સાપુતારાનો ઉધ્ધાર થવાનો નથી,બોટિંગ, રોપ-વે સહિતની મનોરંજન એક્ટિવિટી નહીં મળે તો પ્રવાસીઓ બાળકો સાથે મનોરંજન નહી માણી શકે..
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ગિરિમથક સાપુતારા આમ તો ગુજરાત કી આંખો કા તારાનાં નામથી ઓળખાય છે.પરંતુ હાલમાં તેના સિતારા બુલંદી ઉપર હોય એવુ લાગતુ નથી. ગિરિમથક સાપુતારામાં છેલ્લા થોડા માસથી મનોરંજન એક્ટિવિટી ઉપર બ્રેક લાગી ગઈ છે. જેને કારણે પ્રવાસીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. લોકોનાં રોજગાર-ધંધા પડી ભાંગ્યા છે. સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ છે.ત્યારે ઘરના બે છેડા જોડવાના હવે કપરા થઈ ગયા છે. મુસીબતના પહાડ વચ્ચે જીવતા અહીંના સ્થાનિકોની આ દિવાળી પહેલાં જ આશાનો સૂરજ ઊગે એવી આશા છે. પરંતુ એ બધુ સરકારની ઈચ્છા શક્તિ ઉપર જ આધાર છે.હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે.આકરી મોંઘવારી વચ્ચે પણ લોકો ખુશમિજાજ હોવાનો દેખાડો કરી રહ્યા છે. ત્યારે કુદરતે જેને લખલૂંટ સૌંદર્ય આપ્યું છે. એવા ગિરિમથક સાપુતારાનો ચહેરો નિસ્તેજ થઈ રહ્યો છે. પ્રવાસન ઉદ્યોગ ઉપર જ જેનો મદાર છે એ સાપુતારા, નવાગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તો શનિ-રવિની રજા ક્યારે આવે એની જ વાત જોઈને બેઠા હોય છે.પરંતુ હવે એ સ્થિતિ રહી નથી કે ઘરખર્ચો પણ નીકળી શકે. કેટલાક લારી-ગલ્લા બંધ કરી મહારાષ્ટ્રમાં મજૂરીકામ તરફ વળ્યા છે. જો કે, એમાંય કમોસમી વરસાદે દાટ વાળી દીધો છે. હવે દિવાળી નજીક આવતા નવાગામ સહિત આસપાસના ગ્રામજનો ધંધા-રોજગારની ગાડી ફરી પાટે ચઢે એવી આશા રાખી બેઠા છે. પરંતુ સાપુતારામાં બોટિંગ, ઝીપ લાઇન, રોપ-વે સહિત અન્ય મનોરંજન એક્ટિવિટી બંધ થઈ જતાં પ્રવાસીઓ શું કામ આવે એ પણ એક પ્રશ્ન છે. વન ડે કે ટુ ડેનું પ્લાનિંગ કરનારા પરિવારમાં બાળકો પણ હોય છે.ષજેના માટે મનોરંજન એક્ટિવિટી જરૂરી છે. એ સાવ સામાન્ય સમજી શકાય એવી બાબત છે. ફક્ત ફેસ્ટિવલ્સ પાછળ તાયફા કરવાથી સાપુતારાનો ઉધ્ધાર થવાનો નથી, બોટિંગ, રોપ-વે સહિતની મનોરંજન એક્ટિવિટી નહીં મળે તો પ્રવાસીઓ બાળકો સાથે મનોરંજન નહીં માણી શકે. ચોમાસામાં તો કુદરત મહેરબાન હોય તો પ્રવાસીઓ આવે, બાકીની મોસમમાં લીલોતરો ઓછી થતી જાય છે. દિવાળી પછી પ્રવાસીઓ બીજા હિલ સ્ટેશન પસંદ કરે છે. સાપુતારામાં નથી વોટર પાર્ક કે નથી બાગ-બગીચામાં રમવા માટેનાં સાધનો. મોટાં ગાર્ડન તો છે પણ સુવિધાનો સદંતર અભાવ છે. સાપુતારામાં સૌથી મોટો પોઈન્ટ ઇકો પોઇન્ટ છે. જ્યાં એડવેન્ચરથી લઈને બાળકો માટેનાં સાધનો મૂકી શકાય, પરંતુ ત્યાં આર્ટિફિશિયલ ધોધ જેવી સુવિધા પણ ઊભી કરવી જોઈએ. પરંતુ સરકાર આવી કોઈ સુવિધા ઊભી કરતી નથી. આજે આ જગ્યા ઉજ્જડ છે. બોર્ડ લગાડવાની તસદી પણ લેવાઈ નથી. ત્યારે નિસ્તેજ થઈ રહેલા સાપુતારાના ધંધાર્થીઓના ચહેરા ઉપર ચમક લાવવા માટે સરકાર જ ઈચ્છાશક્તિ દાખવે એ જરૂરી છે.
શું કહે છે અહીંના સ્થાનિક
આ બાબતે રામચંદ્રભાઇ હડસે જણાવ્યું હતું કે સાપુતારાનો સર્પગંગા તળાવ સાપુતારાની આંખો કા તારા છે. અહીંનું નૌકા વિહાર યાદગાર સંભારણું છે. ચોમાસાની ઋતુમાં તો પ્રવાસીઓ કુદરતના ભરોસે એટલે કે કુદરતે વેરેલું સૌંદર્ય નિહાળી સાપુતારા તરફ દોટ મૂકે છે. પરંતુ ચોમાસા બાદ સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટી જ સ્થાનિકોનો રોજગારનો એક આધાર સ્થંભ છે. એક્ટિવિટી દ્વારા 500 થી વધુ સ્થાનિક યુવાનોને રોજગારી મળે છે. તેમજ 2000 થી વધુ નાના મોટા ધંધાથીઓ પ્રવાસીઓ ઉપર નભે છે. વધુમાં વધુ પ્રવાસીઓ સાપુતારા આવશે તો જ સ્થાનિકોનો ધંધો રોજગાર ચાલશે આગળ દિવાળી આવી રહી છે. સ્થાનિકોની દિવાળી નહીં બગડે અને પ્રવાસીઓમાં નારાજગી પણ નહીં રહે તે માટે તંત્રના નિયમો અનુસાર તમામ એડવેન્ચર એક્ટિવિટી શરૂ થવી જોઈએ
હોટલ એસોસિએશના સેક્રેટરી તુકારામભાઈ કર્ડીલેએ આ બાબતે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં માત્ર એક જ હિલ સ્ટેશન આવ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંનું વાતાવરણને નજીકથી નિહાળવા આવતા હોય છે ધુમ્મસ ભર્યું વાતાવરણ ખળખળ વહેતા ઝરણા ચો મેર હરિયાળી ઊંચા ઊંચા ડુંગરો પ્રવાસીઓનું મન મોહે છે પરંતુ ચોમાસાની ઋતુ બાદ વાતાવરણમાં ફેરફાર થતા સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટી રોપવે,બોટિંગ પેરાગ્લાઇડિંગ, ગો કાર્ટિંગ, ઝીપલાઈન વિગેરેની એડવેન્ચર એક્ટિવિટીઓ પ્રવાસીઓને આકર્ષિત કરે છે જો આ એક્ટિવિટી જ બંધ રહેશે તો સાપુતારામાં કોણ આવશે રાજ્ય સરકારે નિયમો અનુસાર આ એક્ટિવિટી શરૂ કરવી જોઈએ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.