ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતીમાં કેવિકે વ્યારા ખાતે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણીની શરુઆત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેંદ્ર, વ્યારા ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કેવિકે ખાતે તા. ૨૩/૦૯/૨૦૨૪ ના રોજ કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણી અંતર્ગત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષય ઉપર ખેડૂત શિબિર યોજાઈ હતી. ભારત દેશમાં પ્રથમ વાર કેવિકેની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સ્વર્ણ જયંતી ઉજવણીના ભાગ રૂપે કેવીકે દ્વારા મેળવેલ સિદ્ધિઓ તેમજ ખેડૂતલક્ષી કાર્યો વિશે ખેડૂતો જાગૃત થાય અને ખેડૂતો કેવીકેનો મહત્તમ લાભ લઈ શકે એ હેતુથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૦થી વધુ ખેડૂત બહેનોએ ભાગ લીધો હતો.
શ્રી મોહનભાઈ કોંકણી, માન. ધારાસભ્યશ્રી, (વ્યારા), વિધાનસભા, ગુજરાત સરકાર દ્વારા કેવિકે દ્વારા કરવામા આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓને બિરદાવી હતી. વધુમાં તેમણે ખેડૂતોને વિવિધ ખેતી પદ્ધતિઓમાં સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ બાગાયતી પાકોમાં ખાસ કરીને મરચાની ખેતી અને ભીંડાની ખેતી તરફ નવીન ટેક્નોલોજી અપનાવી વધુ આવક મેળવવા ખેડૂતોને જાગૃત કર્યા હતા અને બકરા પાલન વિશે જાણકારી આપી જુદા જુદા કૃષિ સંલગ્ન વ્યવસાયો અપનાવવા માટે હાંકલ કરી હતી.
ડો. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં ડો. પંડ્યાએ ખેડૂતલક્ષી વિવિધ સંલગ્ન વ્યવસાયોની જાણકારી આપી હતી અને ખેતીમાં વધુ આવક મેળવવા ખેડૂતોને હાંકલ કરી હતી.
ડો. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક ઢબે કરવા પ્રેરિત કર્યા હતા.
શ્રી અંકિત પ્રજાપતિ, ફિલ્ડ ઓફિસર, તાપીએ ખેડૂતોને ખેતીમાં જરૂરી પોષક તત્વો વિશે માર્ગદર્શિત કરી ઇફ્કો કંપનીની જુદી જુદી પ્રોડક્ટસ વિશે જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતે નીરવ મકાણી, ટ્રેનિંગ આસિસ્ટન્ટ દ્વારા ખેડૂતોને જુદા જુદા નિદર્શન એકમોની તેમજ કેવીકેના નિદર્શન એકમોની મુલાકાત કરાવાઈ હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) અને આભારવિધી કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.