વય નિવૃત્તિ બાદ વાલોડ તાલુકાના દેગામા ગામના રહેવાસી શ્રી હેમંતભાઈ ભારતીએ કરી પારંપરિક વ્યવસાયિક જીવનની શરૂઆત
તાપી જિલ્લામાં કૃષિના નવા યુગનો પ્રારંભ: પ્રાકૃતિક કૃષિ
–
અડધા વિંઘા જેટલી જમીનમાં કિચન ગાર્ડન થકી પ્રાકૃતિક ઢબે શાકભાજી-ફળોનું વાવેતર: ઉત્પાદન અને આવકમાં ઘરખમ વધારો*
–
કિચન ગાર્ડનમાં રીંગણ, મરચા, ભીંડા, ચોળા,જામફળ, સફરજન, મોસંબી, લીંબુ, કૃષ્ણફળ, આંબા, લીચી, પપૈયા, ડ્રેગનફ્રૂટ વગેરે મિક્સ પાકનો સમાવેશ
–
રીફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન માં ૩૮ વર્ષ સેવા આપી : રિટાયરમેન્ટ બાદ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયા અને સૌના માટે બન્યા પ્રેરક
—
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લિખિત ‘પ્રાકૃતિક કૃષિ’ પુસ્તકથી થયા પ્રભાવિત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪ :- કુદરતે પોતાની અમી નજર રાખીને જ્યાં મન મુકીને સૌંદર્ય વેર્યુ છે, તેવા પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લાના પ્રકૃતિ પ્રેમી આદિવાસી બાંધવો પ્રકૃતિના જતન માટે આગળ આવીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે.ગુજરાતના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પ્રકૃતિ પ્રેમી આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારો થાય અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત થાય તેવા શુભ આશય સાથે પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે.
તાપી જિલ્લામાં કલેક્ટર ડો. વીપીન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી-બાગાયત વિભાગ તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષયક વિવિધ તાલીમો આપીને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યાં છે, ત્યારે તાપી જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે, રીફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ૩૮ વર્ષ સેવા આપ્યા બાદ વાલોડ તાલુકાના દેગામાના સેવાનિવૃત્ત થયેલા શ્રી હેમંતભાઈ ભારતીએ પ્રાકૃતિક ઢબે કિચન ગાર્ડન શરૂ કરી સૌના માટે પ્રેરક બની રહ્યા છે.
તાજેતરમાં રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શ્રી હેમંતભાઈ ભારતીએ વર્ષ ૨૦૧૭-૧૮ થી પોતાની ધર્મપત્ની સાથે શાકભાજી-ફળોનુ વાવેતર દેશી પદ્ધતિથી કરતા થયા. તેઓએ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી વિવિધ સેમીનારો અને તાલીમોમાં જોડાઈને લીધી સાથે સાથે પોતાના મિત્ર વર્તુળની મદદ લીધી તથા ગામના જ પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ સાથે પ્રાકૃતિક કૃષિ વિશે વધુ માહિતી મેળવી અને તેમના મોડેલ ફાર્મની મુલાકાત લઇ તેમણે પોતાના અડધા વિંઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિનો પ્રારંભ કર્યો.
શ્રી હેમંતભાઈ ભારતી જણાવે છે કે, હું મારા કિચન ગાર્ડનમાં દૂધી, ભીંડા, ચોળા, રીંગણ, મરચા અને ફાળોમાં જામફળ, સફરજન, મોસંબી, સફેદ જાબુ, લીંબુ, કૃષ્ણફળ, આંબા, લીચી, પપૈયા, ડ્રેગનફ્રૂટ જેવા અનેક ફળો ઉગાડ્યા છે. ફક્ત ૫ વર્ષમાં જ અમે અમારા કિચન ગાર્ડનમાંથી ખુબ જ સારુ ઉપ્તાદન મેળવ્યું છે.અમે પરિવારમાં પણ પ્રાકૃતિક ખેતી થી ઉત્પાદિત શાકભાજી-ફળફળાદીનું દૈનિક આહારમાં ઉપયોગમાં લઈએ છીએ. ઉપરાંત માર્કેટમાં પણ વેચાણ કરીને ખૂબ સારી આવક મેળવીએ છીએ.વધુમાં શ્રી હેમંતભાઈએ પોતાના કિચન ગાર્ડનમાં ઉપયોગમાં લેતા બીજામૃત, જીવામૃત અને આચ્છાદાનના તથા અગ્નસ્ત્ર-બહ્રમાસ્ત્ર અંગે પણ ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હેમંતભાઈએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી વિશેના પુસ્તકમાંથી વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું છે. જેનાથી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયા અને મબલખ ઉત્પાદન મેળવી ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
તાપી જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી માટે શ્રી હેમંતભાઈના પરિણામલક્ષી પ્રયાસો અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહેશે તેવું કહેવું ખોટું નથી. કારણ કે, રાસાયણિક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે છે. જેના પરિણામ સ્વરૂપે ઓછી આવક તેમજ જમીનની ગુણવત્તામાં ઘટાડો અને માનવીના સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થઇ રહી છે. બીજી તરફ પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા તો સુધરે જ છે પરંતુ ઉત્પાદન વધવાથી આવકમાં પણ વધારો થાય છે. ઓછા ખર્ચે થતી આ પ્રાકૃતિક ખેતી આરોગ્યપ્રદ છે.
રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે, તેમાં તાપી જિલ્લા વહીવટી તંત્ર પોતાની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરીને તાપી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવા માટે વિવિધ તાલીમોનું આયોજન કરીને તેઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.બીજી તરફ હેમંતભાઈ જેવા જાગૃત ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરક બની રહ્યા છે.
૦૦૦