ડાંગ જિલ્લાના મોટાચર્યા ગામની મહિલા માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ સાબીત થયો
આયુષ્યમાન કાર્ડથી પથરીની બિમારીમાં મફત સારવાર મળી
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૯: નિરામય આરોગ્ય એ નિરોગી જીવનની ગુરુચાવી છે. આરોગ્ય સંભાળ મારફતે સૌના સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા અને રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્ય સેવાઓ તેમના રેહણાંકના નજીકના સ્થળેથી મેળવી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ડાંગ જિલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લેવાય તે માટે જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરી દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ મોટાચર્યા ગામની ૫૦ વર્ષીય મહિલા શ્રીમતી ગુંન્તાબેન પવારને આયુષ્યમાન કાર્ડ થકી મફત સારવાર મળી છે. આ મહિલાને પથરીની બીમારી હતી. જે બીમારીમાં આયુષ્યમાન કાર્ડ યોજનાથી મહિલાને મફત સારવાર મળવા પામી છે.
શ્રીમતી ગુંન્તાબેન સુરેશભાઇ પવાર જણાવે છે કે, તેઓને પથરીની ગંભીર બિમારી હતી. જેમાં ડાબી કિડનીમાં ૮૪x૭૫ મી.મી અને જમણી કિડનીમાં ૪૫x૭ મી.મીની પથરી હતી. તેઓ ઘણી હોસ્પિટલોમાં ફર્યા. પરંતુ આર્થીક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓને નિરાશા જ સાપંડી હતી.
તેઓ પોતાની સારવાર અંગે ચિંતામાં હતાં ત્યારે, ગામના સભ્યએ તેમને આયુષ્યમાન કાર્ડ યોજના અંગેની માહિતી આપી હતી. જે બાદ તેઓએ તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ મેળવી લઇ, સુરતની સારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી હતી.
શ્રીમતી ગુંન્તાબેનને સરકાર દ્વારા આપવામાં આવેલ આયુષ્યમાન કાર્ડના કારણે હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શક્યા, તેમજ તેઓને બીમારીમાં મોટી રાહત થઇ છે.
તેઓ વધુમાં જણાવે છે કે, આયુષ્યમાન કાર્ડના કારણે તેમને નવું જીવન મળ્યું છે. જો આયુષ્યમાન કાર્ડ ના હોત તો તેઓના બીમારીની સારવાર કરવી મુશ્કેલ હતી. એમ જણાવી તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં આજદિન સુધી ૧ લાખ ૨૫ હજાર ૮૪૧ PM JAY કાર્ડ ઇસ્યુ કરવા સાથે, જિલ્લામાં સને ૨૦૧૮થી આજદિન સુધી કુલ ૨ હજાર ૩૦૫ લાભાર્થીઓને, જુદી જુદી નાની મોટી બીમારીઓમાં કુલ રૂપિયા ૫ કરોડ, ૧૯ લાખ ૭૨ હજાર ૯૬૬ ની સહાય ચુકવવામાં આવી છે.
PM JAY યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં સરકારી હોસ્પિટલોની સંખ્યા ૮ છે. જેમાં જનરલ હોસ્પિટલ આહવા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પ્રાથમિક, સેકેન્ડરી હદય, મગજ અને કિડની, કેન્સર સહિતની ઘનિષ્ઠ સારવાર, ગંભીર ઇજાઓ તેમજ નવજાત શીશુના અતિ ગંભીર રોગોની સારવાર આ યોજના હેઠળ કરવામાં આવે છે.
આ ઉપરાંત PM JANMAN (પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહાભિયાન) અંતર્ગત ડાંગ જિલ્લામાં આવેલ કુલ ૨ હજાર ૮૪૫ આદિમ જૂથની વસ્તીનાં ૨ હજાર ૫૩ જેટલા લાભાર્થીઓને, આયુષ્યમાન કાર્ડનો લાભ આપવામાં આવેલ છે. અન્ય બાકી ૭૯૨ લાભાર્થીઓને આયુષ્યમાંન કાર્ડ આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
–