ડાંગ જિલ્લાના આહવામાં પોષણ માહની ઉજવણી અંતર્ગત આંગણવાડી બહેનોની રેલી યોજાઈ
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને રેલીને પ્રસ્થાન કરાવ્યુ :
–
સહી પોષણ, દેશ રોશન, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજ બનાવવો એ જ સરકારશ્રીની નેમ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ): આહવા: તા: ૯: રાષ્ટ્રની મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સાતમાં “પોષણ માહ”ની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે.
ત્યારે આજ રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને એક રેલી આયોજીત કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના આહવા તાલુકા કક્ષાની આઈ.સી.ડી.એસ. કચેરી ખાતેથી શરૂ થયેલ આ રેલી આહવાના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.
આ રેલીમાં જોડાયેલ આંગણવાડી બહેનોએ સહી પોષણ, દેશ રોશન, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજ બનાવવા અંગે નારા લગાવી લોકોમાં પોષણ અંગેની લોકચેતના જગાવી હતી. રેલી બાદ તમામ આંગણવાડી મહિલાઓ, ધાત્રી માતાઓ, સગર્ભાઓ સહિતની મહિલાઓએ દૈનિક પૌષ્ટિક આહાર આરોગવા પોષણ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ કચેરીના પંટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સારૂબેન વળવી, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ સહિત, મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઇ હતી.
–