મીરજાપોર પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષિકા અંજના પટેલ પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યનાં શિક્ષણ વિભાગની એક આવકારદાયક યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. યોજના અન્વયે વર્ષ 2024/25 નાં પ્રથમ સત્ર માટે તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી તેનાં નવાચાર, શૈક્ષણિક સિધ્ધિ જેવાં માપદંડોને આધારે કરવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળા, મીરજાપોરનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી અંજનાબેન ઈશ્વરભાઈ પટેલની પસંદગી થવા પામી હતી.
આ કર્તવ્યનિષ્ઠ શિક્ષિકાબેનને સ્વાતંત્ર્ય દિવસનાં શુભ અવસરે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા મળેલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ ઓલપાડનાં મામલતદાર એલ. આર. ચૌધરીનાં હસ્તે મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમને કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ, કેન્દ્વાચાર્યા જાગૃતિ પટેલ તથા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.