ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તાપી જિલ્લા વહીવટી તંત્ર તૈયાર – નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડ

Contact News Publisher

વરસાદ દરમિયાન બિનજરૂરી ઘરથી બહાર ન નિકળવા પ્રજાજનોને નિવાસી અધિક કલેકટર શ્રી બોરડનો અનુરોધ

નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લીધી

તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને પોલીસ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદામિત્રો ખડેપગે
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬ : હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની કરાયેલી આગાહીને ધ્યાને લઈને તાપી જિલ્લા કલેકટર ડો. વીપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર વ્યારાની મુલાકાત લઇને વર્ચ્યુઅલ માધ્યમથી સંબંધિત અઘિકારીઓ સાથે વરસાદના કારણે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સૂચના આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

નિવાસી અધિક કલેકટર શ્રી બોરડે જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હળવા દબાણને કારણે ઉત્તર અને સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપી જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોનું જરૂર જણાય તો સલામત સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચિત કરાયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના ૧૫ દરવાજા ખુલ્લા કરીને ૨,૪૭,૦૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડવાથી નુકસાની જેવી કોઇ પરિસ્થિતિ સર્જાઈ નથી. નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વધતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસના ન કરે તથા બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળવા અંગે ખાસ તકેદારી રાખવા શ્રી બોરડે પ્રજાજનોને ખાસ અનુરોધ કર્યો હતો.

શ્રી બોરડે વધુમાં જણાવ્યું કે, પોલીસના જવાનો, એસડીઆરએફની ટીમ તેમજ અંદાજિત ૨૫૦ આપદા મિત્રો પાણીમાં ફસાયેલા લોકોનું ત્વરિત રેસ્ક્યુ તથા બચાવ રાહત કામગીરી કરવા ખડેપગે છે. તેમજ ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને ઘ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્રના તમામ અઘિકારીઓ-કર્મચારીઓ હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર છે.

૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *